અમદાવાદમાં સાયબર ફ્રોડનું રેકેટ ઝડપાયું, 50 કરોડ રૂપિયાની છેતરપિંડી

by Bansari Bhavsar

અમદાવાદ શહેર ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં સામેલ આરોપીઓએ કુલ 61 ડમી બેંક ખાતાઓ ખોલાવીને આશરે 50 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી મોટી માત્રામાં ગુનામાં વપરાયેલો સામાન જપ્ત કર્યો છે.

કેવી રીતે ચાલતું હતું રેકેટ?

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ કોલ સેન્ટર ચલાવતા હતા અને લોકોને વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડીને શેર બજાર અને સોનામાં રોકાણ કરવાની લાલચ આપતા હતા. જ્યારે લોકો તેમના ઝાંસામાં ફસાઈ જતા, ત્યારે તેઓ તેમના પૈસા ડમી બેંક ખાતાઓમાં જમા કરાવતા હતા. આ માટે તેઓ ખાતાધારકોને કમિશન આપતા હતા.

પછી આરોપીઓ આ પૈસા ચેક અને એટીએમ દ્વારા ઉપાડીને આંગડિયા મારફતે અલગ અલગ જગ્યાએ મોકલી દેતા હતા.

પોલીસે શું જપ્ત કર્યું?

પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો સામાન જપ્ત કર્યો છે:

* હોન્ડા એક્ટિવા

* 53 ચેકબુક

* 5 પ્રોપરાઈટરના સ્ટેમ્પ

* 42 ડેબિટ કાર્ડ

* 29 સીમ કાર્ડ કવર

* 15 ક્યુઆર કોડ

* 3 પીઓએસ મશીન

* 61 બેંક ખાતા

ધરપકડ કરાયેલા આરોપીઓ:

* સ્નેહલ ઉર્ફે પિંટુ કૃષ્ણકાંતભાઈ સોલંકી

* ચિરાગ નરેશભાઈ ગણપતભાઈ કડિયા

* ગોપાલ કનૈયાલાલ પ્રજાપતિ

* મુકેશ ખેંગારજી ર્હીયા

આરોપીઓ વિરુદ્ધ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Related Posts