​સગીર પુત્ર પર માતાનો અત્યાચાર: સુરક્ષા માટે સગીરે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા

by Bansari Bhavsar

​અમદાવાદ/મોરબી:

માતાના અમાનવીય વર્તન અને શારીરિક શોષણથી કંટાળીને એક ૧૫ વર્ષીય સગીરે પોતાની સુરક્ષા માટે ગુજરાત હાઇકોર્ટમાં ગુહાર લગાવી છે. સગીરે પોતાની ડીવોર્સી (છૂટાછેડા લીધેલી) માતા સામે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ રક્ષણ મેળવવા અને માતા વિરુદ્ધ એફ.આઈ.આર. (FIR) નોંધવા માટે દાદ માંગી છે. આ સાથે જ તેણે મોરબીમાં રહેતા પોતાના દાદા-દાદી સાથે રહેવાની પરવાનગી આપવાની સ્પષ્ટ વિનંતી કરી છે, કારણ કે તે ત્યાં પોતાને સંપૂર્ણ સુરક્ષિત અનુભવે છે.

​માતા ઘરકામ કરાવતી અને છરી વડે હુમલો કર્યાનો આક્ષેપ

​અર્જૂમાં રજૂ થયેલી વિગતો અનુસાર, સગીરના માતા-પિતાના ૨૦૨૦માં છૂટાછેડા થયા હતા, ત્યારબાદ તેની કસ્ટડી સરખેજ વિસ્તારમાં રહેતી માતા પાસે હતી. સગીરના પિતા આફ્રિકાના અંગોલામાં નોકરી કરે છે અને પિતૃપક્ષ મોરબીમાં વસે છે.

​સગીરે ગંભીર આરોપ લગાવ્યો છે કે તેની માતા છેલ્લા કેટલાક મહિનાઓથી તેની સાથે હિંસક અને અપમાનજનક વર્તન કરતી હતી તથા તેની પાસે জোরજબરદસ્તીથી ઘરકામ કરાવવામાં આવતું હતું. જ્યારે પણ તે ઘરમાં એકલો હોય ત્યારે તેનો ઉપયોગ રોકવા માટે માતા વીજ પુરવઠો પણ બંધ કરી દેતી હતી. આટલું જ નહીં, એક પ્રસંગે માતાએ તેના પર છરી વડે કથિત હુમલો પણ કર્યો હતો, જેને પગલે તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી સરખેજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી માતા સામે ગુનો નોંધવા માંગ કરી હતી.

​પોલીસ અને બાળ કલ્યાણ સમિતિની નિષ્ક્રિયતા સામે સવાલો

​પોલીસ અને બાળ કલ્યાણ સમિતિમાં માત્ર નિવેદનો નોંધાયા સિવાય કોઈ નક્કર રક્ષણાત્મક પગલાં ન લેવાતા, સગીર મોરબી ખાતે પોતાના દાદા-દાદી પાસે પહોંચી ગયો હતો. ત્યાંથી તેણે એડવોકેટ રફીક લોખંડવાલા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં બે અલગ-અલગ અરજીઓ દાખલ કરી હતી. અરજીમાં આક્ષેપ કરાયો છે કે સત્તાવાળાઓ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ પોતાની કાનૂની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે.

​હાઇકોર્ટ દ્વારા નોટિસ પાઠવવામાં આવી

​દાદી મારફતે દાખલ થયેલી આ અરજીઓની સુનાવણી હાથ ધરીને હાઇકોર્ટે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC) અને અમદાવાદ શહેર પોલીસ સહિતના સત્તાવાળાઓને નોટિસ પાઠવી છે. અદાલતે બાળકની અગાઉની ફરિયાદો પર તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે સ્પષ્ટતા માંગી છે અને આગામી ૨૮ ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

Related Posts