અમદાવાદ: હથિયારો સાથે આરોપીની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં ગેંગસ્ટર, હથિયારોનો જથ્થો જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે એલ.જે. કોલેજ પાછળ રાજા બોરવલી પાન પાર્લર પાસેથી ભરત ઉર્ફે ટકો સામંતભાઈ થંગા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ, લોખંડના પાઈપ અને અન્ય હથિયારો મળી આવ્યા છે.

આરોપી ભરત ઉર્ફે ટકો સામંતભાઈ થંગા (ઉં.વ. 27) સ્કોર્પિયો કાર (GJ-01-WH-0008)માં ગેરકાયદેસર રીતે હથિયારો લઈ જતો હતો. તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ, ત્રણ લોખંડના પાઈપ (જેને સાયકલ/મોટરસાયકલના ચેન ચક્કર ફિટ કરીને મારક હથિયાર બનાવવામાં આવ્યા હતા) અને એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે કુલ રૂ. 10,95,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી ભરત ઉર્ફે ટકોનો ગુનાહિત ઈતિહાસ પણ રહેલો છે. તેની વિરુદ્ધ અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર હથિયારથી ફાયરિંગ કરીને હત્યાની કોશિશ કરવાનો અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર હથિયાર રાખવાનો કેસ નોંધાયેલો છે. તાજેતરમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગ દરમિયાન તેની પાસેથી તલવાર મળી આવતા જી.પી. એક્ટ 135 હેઠળ કેસ નોંધાયો હતો.

ક્રાઈમ બ્રાન્ચે આરોપી ભરત ઉર્ફે ટકો વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1-બી), એ અને જી.પી.એ. કલમ 135(1) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts