સારોલી પોલીસની સરાહનીય કામગીરી: ઝેરી દવા પી આપઘાત કરનાર મહિલાનો જીવ બચાવ્યો

by Bansari Bhavsar

સારોલી: સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક મહિલાનો જીવ બચાવ્યો છે. આ ઘટનામાં, ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર ૨૮ વર્ષીય રિબાબેન વસાવાને સમયસર હોસ્પિટલ પહોંચાડીને પોલીસે તેમની જિંદગી બચાવી લીધી છે.

પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌત અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સૂચનાને પગલે પી.સી.આર. વાન તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ કંટ્રોલરૂમને મળેલી માહિતી અનુસાર, આઉટર રીંગ રોડ પર આશીર્વાદ-૦૨ નજીક સણીયા હેમાદ ગામના ખેતરમાં રિબાબેબે ઝેરી દવા પી લીધી હતી.

પી.સી.આર. વાન-૬૬ ના ઇન્ચાર્જ અ.હે.કો. અજિલભાઇ વરદાજીએ તાત્કાલિક કોલરનો સંપર્ક કરીને ચોક્કસ સ્થળની ખાતરી કરી હતી. ખેતર સુધી વાહન જઈ શકે તેમ ન હોવાથી અજિલભાઇ પગપાળા અંદર દોડી ગયા હતા. ત્યાં તેમણે રિબાબેનને બેભાન અવસ્થામાં જોયા અને પરિસ્થિતિની ગંભીરતા પારખી.

સમય ગુમાવ્યા વિના, અજિલભાઇએ રિબાબેનને પોતાના ખભા પર ઊંચકીને ખેતરની બહાર લાવ્યા. ૧૦૮ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર તેઓએ પીડિત મહિલાને પી.સી.આર. વાનમાં બેસાડી નજીકના શાયોના પ્લાઝા સુધી પહોંચ્યા, જ્યાં એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. ત્યારબાદ રિબાબેનને તાત્કાલિક મસમ્બેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Watch video

પોલીસ ઇન્સ્પેક્ટર S.R.Vekariya માર્ગદર્શન હેઠળ અ.હે.કો. અજિલભાઇ વરદાજીએ દર્શાવેલી આ ત્વરિત અને માનવતાભરી કામગીરીની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. તેમની સમયસૂચકતા અને સંવેદનશીલતાના કારણે એક યુવાન જિંદગી બચી ગઈ છે.

Related Posts