સેટેલાઇટમાં દારૂની મહેફિલ ઝડપાઈ: ૫ નશામાં ધૂત ઝડપાયા, ૩ નો બચાવ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી પાંચ લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. જોકે, ત્રણ અન્ય વ્યક્તિઓએ દારૂનું સેવન ન કર્યું હોવાથી તેમને છોડી દેવામાં આવ્યા હતા.

પોલીસ કંટ્રોલ રૂમને રવિવારે બપોરે ૩.૧૫ વાગ્યે ૧૦૦૧, સાથ સંગાથ એપાર્ટમેન્ટ, શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા એક મકાનમાંથી માહિતી મળી હતી કે, પી.જી.ના નામે છોકરા-છોકરીઓ ભેગા થયા છે, દારૂ પીધેલા છે અને ગાળાગાળી કરી રહ્યા છે. આ માહિતીના આધારે, સેટેલાઇટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિતીનસિંહ બાવલસિંહ, ડ્રાઈવર વિશાલ વાલજીભાઈ અને વુમન પોલીસ કોન્સ્ટેબલ ભાવિકા વલ્લભભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પોલીસ ટીમ પહોંચી ત્યારે મકાનનો દરવાજો ખુલ્લો હતો. અંદર પ્રવેશ કરતા, કેટલાક સ્ત્રી-પુરુષો ગોળ કુંડાળું વળીને બેઠા હતા. તેમની સામે કાચની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ, પ્લાસ્ટિકની પાણીની બોટલ, ડિસ્પોઝેબલ ગ્લાસ અને નમકીનના પેકેટ પડેલા હતા.

ઝડતી તપાસ કરતા, “Orange Hill Vodka 180 ml” લખેલી દારૂની બે ખાલી બોટલો મળી આવી હતી, જેના પર “૧૮૦ ML ALc. ૪૨.૮% V/v” લખેલું હતું. આ બોટલોની કિંમત શૂન્ય દર્શાવવામાં આવી હતી કારણકે તે ખાલી હતી. અન્ય ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.

હાજર તમામ વ્યક્તિઓની શારીરિક સ્થિતિ તપાસતા, પાંચ વ્યક્તિઓ દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવ્યા હતા. તેમની પાસે દારૂ પીવા માટે કોઈ પાસ-પરમિટ હતું નહીં.

ઝડપાયેલા આરોપીઓમાં રાજ નિરંજનભાઈ સાડીવાલા (ઉં.વ. ૪૩), તુષાર રાજકુમાર મહેતા (ઉં.વ. ૨૭), વિરેન્દ્ર શ્યામલાલ સુથાર (ઉં.વ. ૨૭), કલ્યાણ ગોપારામ ચૌધરી (ઉં.વ. ૨૭) અને હમાંન્ગ ઝોલેન (ઉં.વ. ૨૩) નો સમાવેશ થાય છે. આ તમામે પાસ-પરમિટ વગર દારૂ પીને એકબીજાને મદદ કરી દારૂની મહેફિલ માણી હતી.

જોકે, પિયુષ બંસીલાલ યાદવ (ઉં.વ. ૧૮), બિપીન નારણભાઈ કાનાણી (ઉં.વ. ૩૮) અને ચંદ્રિકા રમેશ દેબરમા (ઉં.વ. ૩૧) એ દારૂનું સેવન ન કર્યું હોવાથી તેમની પૂછપરછ બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા.

પોલીસે પ્રોહીબિશન એક્ટની કલમ ૬૬(૧)બી, ૮૫(૧), ૭૫(એ) અને ૮૧ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અમિતકુમાર લક્ષ્મણસિંહ ડાભીને સોંપી છે. ફરિયાદની નકલ ફરિયાદીને વિનામૂલ્યે આપવામાં આવી છે. આ ફરિયાદ આજે ૨૯/૦૬/૨૦૨૫ ના રોજ ૧૭:૪૫ વાગ્યે કોર્ટમાં રવાના કરવામાં આવી હતી.

Related Posts