અમદાવાદ: નારોલમાં માર્કેટિંગ મેનેજર દ્વારા કંપની સાથે ₹11.63 લાખની છેતરપિંડી

નોકરીનો દુરુપયોગ: માર્કેટિંગ મેનેજરે ખોટી બિલ્ટી બનાવી ₹11.63 લાખનો ચૂનો ચોપડ્યો

by Bansari Bhavsar

અમદાવાદના નારોલ વિસ્તારમાં એક મોટી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં કપિલદેવ રાજકુમાર શર્મા નામના વ્યક્તિ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. કપિલદેવ શર્મા સુંદરમ એવેન્ટયુ, શ્રીરામ રેસિડેન્સી પાસે, નારોલનો રહેવાસી છે.

શું છે સમગ્ર મામલો?

ફરિયાદી તેજપાલ ભાદરરામ ઇસરાન (ઉ.વ. ૪૯), જેઓ ઇસનપુરમાં પુષ્પ ટેનામેન્ટ, મોની હોટલના ખાંચામાં રહે છે, તેમણે 09 જુલાઈ, 2025 ના રોજ નારોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેજપાલ ઇસરાન “સ્પીડવેલ લોજીસ્ટીક કાર્ગો” નામની કંપનીના માલિક છે.

ફરિયાદ મુજબ, આરોપી કપિલદેવ રાજકુમાર શર્મા તેજપાલ ઇસરાનની કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરતો હતો. 16 ઓક્ટોબર, 2024 થી 29 જાન્યુઆરી, 2025 સુધીના સમયગાળા દરમિયાન, કપિલદેવે કંપનીની ખોટી બિલ્ટીઓ બનાવી. વાસ્તવમાં કોઈ ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવ્યું ન હોવા છતાં, તેણે આ ખોટી બિલ્ટીઓમાં “Truetzschler India Pvt. Ltd.” કંપનીનો ખોટો સિક્કો માર્યો અને કર્મચારીની ખોટી સહીઓ કરાવી. આ ખોટી બિલ્ટીઓ કંપનીમાં રજૂ કરીને તેણે કુલ ₹11,63,000/- મેળવી લીધા.

વિશ્વાસઘાત અને છેતરપિંડીનો આરોપ

તેજપાલ ઇસરાને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે કપિલદેવ શર્માએ વિશ્વાસઘાત કરીને તેમની કંપની સાથે છેતરપિંડી આચરી છે.

પોલીસ તપાસ શરૂ

આ ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી આર.ડી. સાંબડ ચલાવી રહ્યા છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

 

Related Posts