અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમ “એક નઈ સોચ” નો શુભારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદની નિશાન સ્કૂલમાં જેસીપી એન.એન. ચૌધરીના વરદ હસ્તે આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. આ પહેલ અંતર્ગત, અમદાવાદની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર શનિવારે ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ, ટ્રાફિકના નિયમોનું પાલન, સતર્કતા, સુરક્ષા, સલામતી અને સાવધાનીના પાઠ ભણાવવામાં આવશે. આનાથી બાળકોમાં શિસ્તબદ્ધતા કેળવાશે, અને માર્ગ અકસ્માત તથા ગુનાખોરીના આંકમાં ઘટાડો થઈ શકે છે.
એક નઈ સોચ કાર્યક્રમ શા માટે?
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓને દર શનિવારે “બેગલેસ ડે” જાહેર કરાયો છે. શનિવારના દિવસે શાળામાં બાળકોને વિવિધ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરાવીને બાળકોના માનસિક અને શારીરિક વિકાસ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ અંતર્ગત, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તથા સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક એન.એન. ચોધરીની પ્રેરણાથી “એક નઈ સોચ” નામના પ્રેરણાદાયી અને અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવાનો સંકલ્પ કરાયો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત, અમદાવાદ શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે ટ્રાફિક પોલીસ દ્વારા “એક નઈ સોચ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
ભવ્યતાથી કરાયું લોન્ચીંગ
અમદાવાદની નિશાન સ્કૂલ ખાતે વિવિધ બેનર્સ અને પ્લેકાર્ડથી સજાવટ કરાયેલા હોલમાં “એક નઈ સોચ” કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. જેસીપી એન.એન. ચોધરી, ડીસીપી નીતાબેન દેસાઈ, એસીપી એસ.જે. મોદીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. નિશાન સ્કૂલના બાળકોએ તાળીઓના ગડગડાટ સાથે “એક નઈ સોચ” પ્રોજેક્ટને વધાવી લીધો હતો. નિશાન સ્કૂલના સંચાલક, મેનેજિંગ ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, શિક્ષકો દ્વારા જેસીપી એન.એન. ચોધરી સહિત પોલીસ અધિકારીઓનું ભવ્ય સન્માન કરાયું હતું.
બાળકોએ લીધી પ્રતિજ્ઞા
એસીપી એસ.જે. મોદીએ બાળકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. શિસ્તબદ્ધ રીતે બાળકોએ સાવધાન સ્થિતિમાં જમણો હાથ આગળ કરીને પ્રતિજ્ઞા લીધી હતી. તેઓએ માતાપિતાને હેલ્મેટ પહેરવા, સીટબેલ્ટ પહેરવા, રેડ સિગ્નલનું પાલન કરવા અને સાવધાનીથી વાહન ચલાવવા સમજાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ બાળકો તેમના માતાપિતાને ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા કટિબદ્ધ બન્યા હતા.
સારા ભવિષ્યનું નિર્માણ કરજો: ડીસીપી નીતાબેન દેસાઈ
અમદાવાદના ટ્રાફિક ડીસીપી નીતાબેન દેસાઈએ બાળકોને સમજ આપતા કહ્યું હતું કે, “જો તમારે ઉચ્ચ પોલીસ અધિકારી બનવું હોય તો પહેલાં સાવધાની રાખવાનું શીખવું પડશે. જો તમે ટ્રાફિકના નિયમનું પાલન કરતા હશો તો ચોક્કસ સલામતી રહી શકશો. તમે અત્યારથી જ તમારા માતાપિતાને ટ્રાફિક નિયમનું પાલન કરવા સમજાવશો તો તમે ભવિષ્યમાં પોલીસ અધિકારી બની શકશો. જીવનને સુરક્ષિત સલામત બનાવવા ટ્રાફિક નિયમોનું પાલન કરતા શીખવવું જોઈએ.”
તો મોટા અકસ્માતોથી બચી શકાય: જેસીપી એન.એન. ચૌધરી
“એક નઈ સોચ” પ્રોજેક્ટની મહત્ત્વતા અંગે જેસીપી એન.એન. ચૌધરીએ તેમના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે, “સતર્કતા ગ્રુપ દ્વારા સંચાલિત અને ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા નવી પેઢી શિસ્તબદ્ધ બનશે. આજના બાળકોમાં સતર્કતા, સુરક્ષા, સાવધાની અને સલામતીની સમજ આપવી જરૂરી અને હિતાવહ છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સંકલ્પબદ્ધ છે, જેથી વાહન દુર્ઘટનાઓ નિવારી શકાય. બાળકોને ટ્રાફિક નિયમનની સમજ આપતા કહ્યું હતું કે, નાની નાની લાગતી વાતો જીવનમાં ખૂબ મહત્વની હોય છે. નાના નાના ટ્રાફિક નિયમોનું પાલન કરીએ તો મોટા અકસ્માતોથી બચી શકીએ.” કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોને અનુરોધ કરતા જેસીપી એન.એન. ચૌધરીએ કહ્યું હતું કે, “તમે તમારા સગા સંબંધી, પડોશીઓ કે વડીલોને નિયમોનું પાલન ન કરતા હોય તો તેમને નિયમોનું પાલન કરવા સમજાવજો, જે આપણા જીવન માટે સારા છે. ટ્રાફિક નિયમો આપણી સુરક્ષા અને સલામતી માટે છે.”
બાળકોએ કરાવ્યા સ્વયંશિસ્તના દર્શન
નિશાન સ્કૂલના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના બાળકોએ કાર્યક્રમમાં સ્વયંશિસ્તના દર્શન કરાવ્યા હતા. જે બાળકોએ ટ્રાફિક નિયમનનું પાલન કરવા વ્યક્ત કરેલી કટિબદ્ધતા નિહાળી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત તમામ લોકો પ્રભાવિત થયા હતા. કાર્યક્રમમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દર શનિવારે અમદાવાદ શહેરની વિવિધ શાળાઓમાં “એક નઈ સોચ” કાર્યક્રમો યોજાશે. નિશાન સ્કૂલનાં મેનેજિંગ ટ્રસ્ટી જૈમિન પટેલ, ડાયરેક્ટર વિષ્ણુભાઈ પટેલ, આચાર્ય દીપિકા શર્મા, સંગીતા દેવડા સહિતના શિક્ષકોએ જેસીપી એન.એન. ચૌધરી, ડીસીપી નીતાબેન દેસાઈ, એસીપી એસ.જે. મોદીને બુકે તથા મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.