અમદાવાદ, ગુજરાત: ગુજરાત એ.ટી.એસ. (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) એ ઉત્તરપ્રદેશના એટાથી ચાલતા એક મોટા બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી કુલ 7 હથિયારો અને 285 જીવતા કારતૂસ (ગોળીઓ) પકડવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ એ.ટી.એસ.ને ગુનેગારો પર નજર રાખવા જણાવ્યું હતું. આ સૂચનાને કારણે, ડ્રગ્સ અને હથિયારો જેવા સંગઠિત ગુનાઓ પર નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન, એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ. એલ. ચૌધરીને એક ગુપ્ત માહિતી મળી હતી. માહિતી એવી હતી કે મુકેશસિંહ હુકમસિંહ ચૌહાન, અભિષેક રાજદેવ ત્રિવેદી, વેદપ્રકાશસિંહ રામબાબુસિંહ, રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલા, અજય ભુરેસિંહ સેંગર, શોલેસિંહ રામબાબુસિંહ સેંગર અને વિજયસિંહ ભૂરેસિંહ સેંગર નામના વ્યક્તિઓએ ઉત્તરપ્રદેશના એટા જિલ્લાના શ્યામસિંહ ઉર્ફે રાજુ હુકમસિંહ ચૌહાણ અને શ્યામસિંહ ઠાકુરની મદદથી દેવકાન્ત પાંડેને મોટી રકમ આપી હતી. આ પૈસા આપીને તેમણે ઉત્તરપ્રદેશ રાજ્યના બોગસ હથિયાર લાયસન્સ પોતાના નામે બનાવડાવ્યા હતા અને તેમની પાસેથી હથિયારો ખરીદ્યા હતા. એટલું જ નહીં, તેઓએ પોતાની ગેંગના માણસો અને ગુજરાતના બીજા ઘણા લોકોને પણ બોગસ હથિયાર લાયસન્સ અને હથિયારો અપાવ્યા હતા.
આ માહિતી મળ્યા પછી, એ.ટી.એસ.ના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી. પછી આ માહિતીની તપાસ માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.બી. સોલંકીને સોંપવામાં આવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, 2019 થી 2022 વચ્ચે ગુજરાતના ઘણા લોકોએ ઉત્તરપ્રદેશના એજન્ટ દેવકાન્ત પાંડે દ્વારા એટા, ઉત્તરપ્રદેશમાંથી ખોટા હથિયાર લાયસન્સ બનાવી હથિયારો મેળવ્યા હતા.
આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ.ની ટીમોએ જુદી જુદી જગ્યાએ દરોડા પાડ્યા. દરોડા દરમિયાન, ઉપર જણાવેલા 7 આરોપીઓ પાસેથી 3 રિવોલ્વર અને 187 ગોળીઓ, તેમજ 4 પિસ્તોલ અને 98 ગોળીઓ મળી, કુલ 7 હથિયારો અને 285 ગોળીઓ જપ્ત કરવામાં આવી.
આ કેસમાં, એ.ટી.એસ. પોલીસ સ્ટેશનમાં 12/07/2025 ના રોજ 7 આરોપીઓ (મુકેશસિંહ હુકમસિંહ ચૌહાન, અભિષેક રાજદેવ ત્રિવેદી, વેદપ્રકાશસિંહ રામબાબુસિંહ, રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલા, અજય ભુરેસિંહ સેંગર, શોલેસિંહ રામબાબુસિંહ સેંગર અને વિજયસિંહ ભૂરેસિંહ સેંગર) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 336(2), 337, 338, 339, 341(2)(4) તથા 54, 61 અને આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)(એ) હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ ક્યારેય તેમના હથિયાર લાયસન્સમાં લખેલા એટાના સરનામે રહેવા, ધંધો કરવા કે નોકરી કરવા ગયા ન હતા. તેમજ, તેઓએ હથિયાર લાયસન્સ મેળવવા માટે એટા જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ કોઈ ઇન્ટરવ્યુ આપ્યો ન હતો. આ ઉપરાંત, આરોપીઓમાંથી કોઈએ પણ હથિયાર ખરીદ્યા પછી ગન હાઉસ રજિસ્ટરમાં સહી કરી ન હતી.
આ ગુનાના સંબંધમાં, ગુજરાત એ.ટી.એસ. દ્વારા અન્ય બે વ્યક્તિઓ – શ્યામસિંહ રાજેન્દ્રસિંહ ઠાકુર (ઉંમર 49, રહે. અમદાવાદ, મૂળ વતન-વીરબનીપીજરી, તા. અલીગંજ, જીલ્લો-એટા, ઉત્તરપ્રદેશ) અને હિમ્મતસિંહ કમલાકરસિંહ રાજપુત (ઉંમર 31, રહે. અમદાવાદ, મૂળ વતન – ગામ-ખેરહટ, તેહસીલ-બારા, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) ને પકડીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આવા ગુનાઓમાં સામેલ અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.