અમદાવાદ: કૃષ્ણનગર પોલીસે બે પત્રકારોની ધરપકડ કરી છે, જેમણે એક વ્યક્તિ પાસેથી ખોટા સમાચાર હટાવવા માટે ₹11,000 પડાવી લીધા હતા. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-308(2) અને 61 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટના એવી છે કે એપ્રિલ-2025માં, એક વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ભારત ન્યુઝ ચેનલના તંત્રી ઘનશ્યામભાઈ શર્માએ કોઈ પણ તપાસ કર્યા વગર, તેમની યુટ્યુબ ચેનલ પર આ મામલે સમાચાર પ્રકાશિત કરીને ફરિયાદીને બદનામ કર્યા હતા.
આ પછી, જાગૃત ન્યૂઝના પત્રકાર અંકિતકુમાર અને ભારત ન્યૂઝના પત્રકાર ક્લેરાએ ફરિયાદીને તેમની ઓફિસમાં બોલાવ્યા. ત્યાં, તેમણે ફરિયાદીને બદનામ કરતો વીડિયો હટાવવા અને નવો વીડિયો ચઢાવવા માટે બળજબરીથી ₹11,000 ગૂગલ પે દ્વારા કઢાવી લીધા.
પોલીસે આ મામલે અંકિતકુમાર મહેશકુમાર વ્યાસ અને ક્લેરા વિજયકુમાર નેલ્સન ક્રિશ્ચિયનની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ધવનની સૂચનાથી પો.સબ.ઇન્સ. વી.જે.ચાવડા અને તેમની ટીમે કરી છે.