અમદાવાદ: ઉત્તરાયણ પૂર્વે LCB ઝોન-4 એ ₹43,500ની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો

by Bansari Bhavsar

અમદાવાદ: ઉત્તરાયણના તહેવાર નજીક આવતા જ અમદાવાદ પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત LCB ઝોન-4 ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી કુબેરનગર વિસ્તારમાંથી ₹43,500 ની કિંમતના ચાઇનીઝ દોરીના ટેલરો સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

​શું છે સમગ્ર મામલો?

​ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ અને નાયલોન દોરીના કારણે વાહનચાલકો અને પશુ-પક્ષીઓને થતી ગંભીર ઇજાઓને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી તેના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાના અમલીકરણ માટે પોલીસ કમિશનર જી.એસ. મલીક અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ LCB ઝોન-4 દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

​ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલ

​LCB ઝોન-4 ના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુબેરનગર, જી-વોર્ડ ખાતેથી રાહુલ હરેશભાઇ પટણી (ઉં.વ. 20) નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે:

​ચાઇનીઝ દોરીના ટેલર: 145 નંગ

​કુલ કિંમત: ₹43,500

​આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

​પોલીસની કામગીરી

​આ સફળ કામગીરીમાં PSI એસ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. રવિન્દ્ર ગંગારામ, જયપાલસિંહ વિજયસિંહ અને અન્ય હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલો જોડાયા હતા.

Related Posts