અમદાવાદ: બોડકદેવ પોલીસે ગેસ રિફિલિંગના કાળાબજારના નેટવર્કનો કર્યો પર્દાફાશ; એક ઇસમની ધરપકડ

by Bansari Bhavsar

તાજેતરમાં મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે પેટ્રોલિયમ પેદાશો અને ઈંધણ ગેસની આયાત પર માઠી અસર પડી છે. આ તકનો ગેરલાભ ઉઠાવી, આર્થિક ફાયદો મેળવવા માટે આવશ્યક ચીજવસ્તુઓની કાળાબજારી કરનારા તત્વો સામે અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ અનુસાર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત બોડકદેવ પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ગેસની બોટલોમાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે.

​શું હતી સમગ્ર ઘટના?

​બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. પટેલ અને સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. વાય.વાય. ચૌહાણ સહિતની ટીમ થલતેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જોગેન્દ્રસિંહ પ્રવીણસિંહ અને એ.એસ.આઈ. નથ્થુભાઈ દેવાયતભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે થલતેજ ગામના ભરવાડ વાસ પાસે એક ઇસમ રિક્ષામાં ગેસની બોટલો રાખીને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી રહ્યો છે.

​પોલીસે તુરંત જ દરોડો પાડીને મહિરાભાઈ પાંચણભાઈ શેખાણી (પરમાર) (ઉંમર ૫૦, રહે. રામાપીરનો ટેકરો, વાડજ) ને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી કોઈપણ જાતની સુરક્ષા વગર, પોતાની અને અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકીને ઈન્ડિયન ગેસની બોટલોમાંથી ગેસ કાઢીને કાળાબજારી કરી રહ્યો હતો.

​મુદ્દામાલની વિગત

​પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

​ઓટો રિક્ષા: (નંબર GJ01TF5584) – કિંમત રૂ. ૫૦,૦૦૦/-

​ગેસ સિલિન્ડર: ઈન્ડિયન ગેસની ૦૭ બોટલો – કિંમત રૂ. ૬,૪૪૦/-

​સાધનો: રિફિલિંગ માટેની લોખંડની ડાંડી (પાઈપ) અને વજનકાંટો.

​કુલ કિંમત: રૂ. ૫૬,૪૪૦/-

​કાયદેસરની કાર્યવાહી

​આરોપી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-૧૨૫ (જાહેર જનતાની સુરક્ષા જોખમાવવી) તથા આવશ્યક ચીજવસ્તુ ધારા (Essential Commodities Act) ની કલમ-૩ અને ૭ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

​ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ટીમ

​આ સફળ કામગીરીમાં પી.એસ.આઈ. વાય.વાય. ચૌહાણ, એ.એસ.આઈ. નથ્થુભાઈ, હેડ કોન્સ્ટેબલ જોગેન્દ્રસિંહ, તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીર જગુભાઈ અને તેજપાલસિંહ અર્જુનસિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Related Posts