સુરતના સરોલી વિસ્તારમાં આવેલા ચર્ચિત શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ માર્કેટમાં જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાડનાર શંકાસ્પદ આરોપીની ઓળખ છતી થઈ ગઈ છે.
પોલીસ તપાસમાં બહાર આવેલા અહેવાલ મુજબ, આ કૃત્ય આચરનાર આરોપીનું નામ વિનોદ પંડીત સાવલે છે. તે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના શીરપુર થાણા વિસ્તારના ભોરટેક ગામનો વતની છે. હાલમાં તે સુરતના ડીંડોલી સ્થિત રોયલ સ્ટાર રેસીડેન્સીની બાજુમાં આવેલી બિલીપત્ર રેસીડેન્સીના પ્રથમ માળે, મકાન નંબર ૪૧ માં રહેતો હતો.
મે-જૂન મહિનામાં છઠ્ઠા માળે કરતો હતો કામ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિનોદ સાવલે શ્યામ સંગીની માર્કેટના છઠ્ઠા માળે દુકાન ધરાવતા વેપારી હનુમાન પ્રસાદ ઝવરને ત્યાં ચાલુ વર્ષે મે થી જૂન મહિના દરમિયાન કામ કરતો હતો. ભૂતકાળમાં નોકરી કે કામકાજ અંગેના કોઈ વિવાદ કે અદાવતને કારણે તેણે આ આગ લગાડી હોવાની શંકા સેવાઈ રહી છે.
આરોપી હજુ ફરાર, તપાસ તેજ
નવાપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ. આર. વેકરીયા તરફથી મળતી માહિતી મુજબ, ગુનામાં સંડોવાયેલો આરોપી હાલ પકડવામાં બાકી (ફરાર) છે. વડોદરા અને સુરત પોલીસની ટીમ દ્વારા તેના રહેણાંક વિસ્તાર તેમજ સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મધરાતે શ્યામ સંગીની માર્કેટના છઠ્ઠા માળે કાપડના પાર્સલો પર પ્રવાહી છાંટીને આગ ચાંપવામાં આવી હતી, જેના કારણે કરોડપતિ વેપારીઓને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. હાલ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે.