અમદાવાદ: બોડકદેવ અને સેટેલાઈટમાં ઓફિસ ભાડે રાખી આંતરરાજ્ય વેપારીઓ સાથે ₹64.75 લાખની છેતરપિંડી કરનાર ગેંગના 4 સાગરીતો ઝડપાયા

અડધા વ્યાજે લોન'ની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરતી આણંદની ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચી

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના બોડકદેવ અને સેટેલાઇટ વિસ્તારમાં નકલી ઓફિસો ખોલી, આંતરરાજ્ય વેપારીઓને સસ્તા દરે લોન અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનારી ટોળકીનો અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (ઝોન-7) એ પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આણંદ જિલ્લાના ચાર શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​શું હતી સમગ્ર ઘટના?

​આ ટોળકીની મોડસ ઓપરેન્ડી (MO) ખૂબ જ શાતિર હતી. આરોપીઓએ બોડકદેવ અને સેટેલાઇટના શિવરંજની વિસ્તારમાં બનાવટી નામે ઓફિસો ભાડે રાખી હતી. તેઓ અન્ય રાજ્યોના વેપારીઓનો ટેલિફોનિક સંપર્ક કરી પોતાની ખોટી ઓળખ આપતા હતા. વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે તેઓ ‘બેંક કરતા અડધા વ્યાજે’ (દા.ત. 30 કરોડની મોર્ગેજ લોન) અપાવવાની લાલચ આપતા હતા.

​જ્યારે વેપારીઓ તેમની ઓફિસે આવતા, ત્યારે આરોપીઓ તેમને વિશ્વાસમાં લઈ ‘સ્ટેમ્પ ડ્યુટી’ અને અન્ય ખર્ચના નામે લાખો રૂપિયા પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. પૈસા મળ્યા બાદ તેઓ લોન આપ્યા વગર જ ગાયબ થઈ જતા હતા.

​પોલીસની કાર્યવાહી અને તપાસ

​આ મામલે બોડકદેવ અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદો નોંધાઈ હતી. ગુનાની ગંભીરતાને જોતા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ડીસીપી ઝોન-7 (શિવમ વર્મા) ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વાય.પી. જાડેજાએ અલગ-અલગ ટીમો બનાવી હતી.

​લગભગ બે મહિનાની સખત મહેનત, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે આણંદના ચાર શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

​પકડાયેલા આરોપીઓની વિગત:

​જીતેન્દ્ર પરષોત્તમભાઈ મકવાણા (૪૯) – રહે. નાપાડ, આણંદ

​અલ્પેશકુમાર ભીખાભાઈ મકવાણા (૩૮) – રહે. નાપાડ, આણંદ

​કેયુર વિનોદભાઈ પટેલ (૪૦) – રહે. ભાલેજ, આણંદ

​શૈલેષભાઈ ભરતભાઈ પરમાર (૪૮) – રહે. આણંદ

​જપ્ત કરાયેલ મુદ્દામાલ:

​પોલીસે આરોપીઓ પાસેથી ₹5,500 રોકડા અને ₹11,000 ની કિંમતના 4 મોબાઈલ ફોન સહિત કુલ ₹16,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ છેતરપિંડીના નાણાંથી સોનું ખરીદી આર્થિક લાભ મેળવતા હતા.

​હાલમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 316(2), 318(4) અને 61(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts