અમદાવાદ સોશિયલ મીડિયાના યુગમાં ગુનેગારો હવે પોલીસની નજરથી બચી શકતા નથી, તેનો વધુ એક પુરાવો અમદાવાદમાં જોવા મળ્યો છે. કુબેરનગર વિસ્તારમાં જાહેરમાં બેસીને દારૂ પીતા શખ્સોનો વીડિયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં જ એરપોર્ટ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
શું હતી સમગ્ર ઘટના?
ગઈકાલે તા-૦૮/૦૪/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે કુબેરનગરના કોતરપુર ટર્મિનસ પાસે આવેલા જાહેર શૌચાલય નજીક કેટલાક ઇસમો જાહેરમાં બેસી દારૂ પી રહ્યા હતા. આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક અને સેક્ટર-૨ના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી જયપાલસિંહ રાઠોડની સૂચનાથી એરપોર્ટ પોલીસે આ મામલે તપાસ તેજ કરી હતી.
પોલીસની ત્વરિત કાર્યવાહી
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.જી. ચાવડા અને તેમની ટીમે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને શોધી કાઢ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં:
૧. દયાલ ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ. ૨૫, રહે. નોબલનગર)
૨. રામ ભરતભાઈ ચૌહાણ (ઉ.વ. ૧૯, રહે. નોબલનગર)
૩. એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનો સમાવેશ થાય છે.
કાયદેસરની કાર્યવાહી
પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ધી પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી), ૮૫(૧) અને ૮૧ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે જે રીતે તાત્કાલિક એક્શન લીધા છે, તેનાથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ટીમ એરપોર્ટ પોલીસની સફળતા
આ કામગીરીમાં પી.એસ.આઈ. વી.જી. ચાવડા સાથે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ, ગીરીશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ, વિક્રમસિંહ, રણછોડભાઈ, ચેતનસિંહ અને ધનરાજસિંહ જોડાયા હતા.