અમદાવાદ શહેરમાં વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા અને વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચના સબબ સોલા હાઈકોર્ટ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગોતા વિસ્તારમાંથી એક્ટિવા ટુ-વ્હીલરની ચોરી કરનાર બે સાતિર ચોરોને ચોરાઉ વાહન સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત તારીખ ૧૧/૦૭/૨૦૨૬ના રોજ સવારના ૧૧:૪૫ વાગ્યાથી રાત્રીના ૨૨:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન, ગોતાના સત્યમેવ વિસ્ટા રોડ પર આવેલા ‘વિશ્વા હાઇટ્સ’ (બ્લોક-૧, એલ.આઇ.જી ૧૮) ખાતેથી એક અજાણ્યો ઇસમ હોન્ડા કંપનીનું એક્ટિવા ટુ-વ્હીલર ચોરી કરીને નાસી છૂટ્યો હતો. આ અંગે વાહનના માલિક પ્રિયંક મહેન્દ્રભાઈ પંચાલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી હતી.
૧૦૦ જેટલા CCTV ફૂટેજ ચેક કરાયા
ફરિયાદ મળતાની સાથે જ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.જે. દેસાઈ તથા સ્ટાફના માણસો તપાસમાં જોડાયા હતા. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ સક્રિય કર્યા હતા અને ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.
તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં બે ઇસમો મોટરસાયકલ લઈને ચોરી કરવા માટે આવતા દેખાયા હતા. પોલીસ કોન્સ્ટેબલ માધવકુમાર, રમેશકુમાર અને રાકેશભાઈની ટીમે ઘટનાસ્થળથી લઈને ચાંદલોડિયા સુધીના રૂટના આશરે ૧૦૦ જેટલા સીસીટીવી ફૂટેજ સતત વોચમાં રહીને ચેક કર્યા હતા. લોકલ બાતમીદારોની મદદથી આખરે બંને આરોપીઓની ઓળખ મેળવી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.
કલરકામ કરતા બે યુવકો નીકળ્યા ચોર
પોલીસની કડક પૂછપરછમાં બંને આરોપીઓએ સાથે મળીને એક્ટિવા ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓની વિગત નીચે મુજબ છે:
૧. અનુરાગ હિંમતલાલ ગુપ્તા (ઉંમર વર્ષ-૨૧), ધંધો- કલરકામ, રહેવાસી- ગાયત્રીનગર સોસાયટી વિભાગ-૨, ચાંદલોડિયા, અમદાવાદ.
૨. હિમેશ મુનેશ્વર યાદવ (ઉંમર વર્ષ-૧૯), ધંધો- કલરકામ, રહેવાસી- ગાયત્રીનગર સોસાયટી વિભાગ-૨, ચાંદલોડિયા, અમદાવાદ.
રૂપિયા ૭૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલું હોન્ડા કંપનીનું એક્ટિવા (કિંમત ₹૩૦,૦૦૦) તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (કિંમત ₹૪૦,૦૦૦) એમ કુલ મળીને ₹૭૦,૦૦૦નો મુદ્દામાલ રિકવર કર્યો છે. સોલા હાઈકોર્ટ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.