ચોકલેટના રેપરમાં ‘ઝેર’! અમદાવાદમાં મહિલા ડ્રગ્સ પેડલરની અનોખી કરામતનો પર્દાફાશ

ખોટી આશાએ ચોકલેટ રેપરમાં સંતાડ્યું MD ડ્રગ્સ, ગોમતીપુર પોલીસે પ્લાન ફ્લોપ કર્યો!

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરમાં યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થોના દૂષણને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ‘ઝીરો ટોલરન્સ નીતિ’ (Zero Tolerance Policy) અપનાવવામાં આવી છે. જે અંતર્ગત ડ્રગ્સ પેડલરો વિરૂદ્ધ કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કડીમાં LCB ઝોન-૫ ની ટીમ અને ગોમતીપુર પોલીસને એક સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે એક મહિલા ડ્રગ્સ પેડલરને ચોકલેટના રેપરમાં સંતાડેલા લાખો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડી છે.

નવી ‘મોડસ ઓપરેન્ડી’: પોલીસને છેતરવા ચોકલેટ કવરનો ખેલ પાડ્યો

પકડાયેલી મહિલા આરોપી સીમાબેન અગાઉ પણ NDPS ના ગુનામાં જેલની હવા ખાઈ ચૂકી છે. આ વખતે પોલીસ ચેકિંગથી બચવા અને કાયદાની આંખમાં ધૂળ ઝોંકવા માટે તેણે એક તદ્દન અનોખી અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી (M.O.) અપનાવી હતી. બજારમાં પ્રતિબંધિત એમ.ડી. ડ્રગ્સની ગુપ્ત હેરફેર કરવા માટે તેણે ડ્રગ્સના જથ્થાને કોઈ સામાન્ય ખાદ્ય પદાર્થ કે ચોકલેટ હોય તે રીતે ‘ચોકલેટ રેપર’ (ચોકલેટના કાગળ) માં સંતાડી રાખ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ અને તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવાનો હતો.

બાતમીના આધારે પાડેલી રેઇડમાં લાખોનો મુદ્દામાલ જપ્ત

LCB ઝોન-૫ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે. જાડેજાની ટીમના પોલીસ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ ઘેલુભાને ડ્રગ્સની આ હેરાફેરી અંગે ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી. જેના આધારે ગોમતીપુર, વિક્રમ મિલની ચાલીમાં પૂર્વ આયોજિત રેઇડ કરવામાં આવી હતી.

ગોમતીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.વી. રાણા, એલ.સી.બી.ના પી.એસ.આઈ. કે.કે. જાડેજા તથા સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. ડી.બી. મહીડાની સંયુક્ત ટીમે NDPS એક્ટની નિયત કાનૂની પ્રક્રિયા (SOP) મુજબ કાર્યવાહી કરીને ૨૮ વર્ષીય મહિલા આરોપી સીમાબેન દિવાકરને નીચે મુજબના મુદ્દામાલ સાથે દબોચી લીધી હતી:

* મેફેડ્રોન (MD) ડ્રગ્સ: ૧૨૭.૯૫૦ ગ્રામ (કોમર્શિયલ ક્વોન્ટિટી), કિંમત રૂ. ૩,૮૩,૮૫૦/-

* ગાંજો: ૧૩૨.૪૨૦ ગ્રામ, કિંમત રૂ. ૬,૬૨૧/-

* રોકડ રકમ: રૂ. ૧,૧૨,૮૭૦/-

* કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. ૫,૦૩,૩૪૧/-

મુખ્ય સૂત્રધાર ફરાર, ગુનાહિત ઇતિહાસ ધરાવતું દંપતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલી મહિલાનો પતિ અને આ કેસનો મુખ્ય સૂત્રધાર સુરજ ઉર્ફે ટકલો રામકિશન દિવાકર હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

આ દંપતીનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ચોંકાવનારો છે. ફરાર આરોપી સુરજ ઉર્ફે ટકલો અગાઉ અપહરણ, જુગાર, પ્રોહિબિશન (દારૂબંધી), રાયોટિંગ (તોફાન), અને શરીર સંબંધી ગંભીર ગુનાઓ સહિત કુલ ૩૬ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે અને અગાઉ પાસા (PASA) તથા તડીપાર પણ થઈ ચૂક્યો છે. જ્યારે પકડાયેલી મહિલા આરોપી સીમાબેન વિરૂદ્ધ પણ અગાઉ NDPS નો ગુનો નોંધાયેલો છે.

હાલમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આ મહિલા વિરૂદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ ડ્રગ્સ નેટવર્કના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

 

Related Posts