કામરેજ:
સુરત ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સુરત ગ્રામ્ય LCB પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કામરેજ તાલુકાના ધાતવા ગામે લીંબડી ફળિયામાં રહેતા ધનાલાલ દેવારામ ગુર્જર નામના ઈસમના રહેણાંક મકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પોતાના ઘરની પાછળ વાડાના ભાગે પતરાનો શેડ બનાવીને ગેરકાયદેસર રીતે શંકાસ્પદ નોન-આલ્કોહોલિક ફ્રુટ બિયરનું ઉત્પાદન કરતો હતો. આ આરોપી ભંગારમાંથી કાચની ખાલી બોટલો મેળવી, મશીનરી દ્વારા તેમાં ફ્રુટ બિયરના સ્વીટનર, લિક્વિડ અને ફ્લેવર પાઉડર તેમજ પીવાના પાણીનું મિશ્રણ તૈયાર કરતો હતો. ત્યારબાદ તેમાં કાર્બન ડાયોક્સાઇડ (CO_2) ગેસ પ્રેશરથી ઉમેરી, બોટલો સીલ કરી તેના પર નકલી લેબલ લગાવીને વેચાણ કરતો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી કિંગફિશર સ્ટ્રોંગ ફ્રુટ બિયરના માર્કાવાળી કુલ ૫૮૪ નંગ બોટલો (કિંમત ₹૧૭,૫૨૦/-) તેમજ ફ્રુટ બિયર બનાવવાની મશીનરી (કિંમત ₹૯૭,૫૦૦/-) જપ્ત કરી છે. આ ઉપરાંત, સ્થળ પરથી મળી આવેલો એક્સપાયરી ડેટવાળો સોડા અને એનર્જી ડ્રિંકનો ૫૫૨ નંગ બોટલોનો જથ્થો (કિંમત ₹૬૩,૩૬૦/-) ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
સુરત ગ્રામ્ય LCB પોલીસે કુલ ₹૧,૭૮,૧૧૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.