અંતિમ વિદાયથી લઈ હડકવા મુક્ત શહેર સુધી: ‘ઇન્ટરનેશનલ ડોગ ડે’ પર AMC ની અનોખી અબોલ જીવસેવા પ્રવૃત્તિઓ

by Bansari Bhavsar

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સીએનસીડી (CNCD) વિભાગ દ્વારા “ઇન્ટરનેશનલ ડોગ ડે” નિમિત્તે શહેરમાં પાલતુ તથા રખડતા શ્વાન અને અન્ય અબોલ જીવો માટે હાથ ધરાયેલી વિવિધ કલ્યાણકારી અને સુવિધાજનક પ્રવૃત્તિઓ અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે.

​રૂ. ૩૦ લાખના ખર્ચે સીએનજી બેઝડ પેટ ક્રેમેટોરિયમ: પરિવારના વહાલસોયા સદસ્યને સન્માનજનક વિદાય

બહેરામપુરા એબીસી કેન્દ્ર ખાતે રૂ. ૩૦ લાખના ખર્ચે શરૂ કરવામાં આવેલ સીએનજી બેઝડ પેટ ડોગ ક્રેમેટોરિયમ મશીન પાલતુ શ્વાન અને બિલાડીના અંતિમ સંસ્કાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જાન્યુઆરી-૨૦૨૬ થી અત્યાર સુધીમાં ૩૧૯ પેટ પેરેન્ટ્સ દ્વારા ૩૭૯ (૩૬૫-ડોગ અને ૧૪-કેટ) જેટલા પરિવારના સદસ્યોની સન્માનપૂર્વક અંતિમવિધિ કરવામાં આવી છે.

​આ સેવાનો લાભ માત્ર અમદાવાદ (સેટેલાઈટ, શાહીબાગ, નારોલ, કાંકરીયા વગેરે) જ નહીં પરંતુ રાજકોટ, સુરત, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર અને રાજસ્થાનના ઉદયપુર જેવા અન્ય શહેરોના પેટ ઓનર્સે પણ લીધો છે. ભવિષ્યમાં આ સુવિધાની સફળતાને ધ્યાને રાખીને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વધુ બે નવા ક્રેમેટોરિયમ બનાવવાનું આયોજન છે.

​લાગણીસભર કિસ્સાઓ:

​હરિદ્વાર ખાતે અસ્થિ વિસર્જન: થલતેજ વિસ્તારના શ્રી પાર્થ અમીને તેમના રોટવિલર બ્રીડના પાલતુ શ્વાન “ટાઈગર” ના અંતિમ સંસ્કાર બાદ મેળવેલ અસ્થિકુંભને હરિદ્વાર ખાતે વિસર્જીત કર્યા હતા. એરપોર્ટ સિક્યુરિટી ચેકિંગમાં સરળતા રહે તે માટે વિભાગ દ્વારા અધિકૃત ‘ક્રેમેટ સર્ટિફિકેટ’ પણ આપવામાં આવ્યું હતું.

​ચાંદોદ ખાતે વિસર્જન: સુરતના શ્રી અજય મિશ્રાએ તેમના ગોલ્ડન રીટ્રીવર “ઓડી” ના અંતિમ સંસ્કાર બાદ અસ્થિ વિસર્જન ચાંદોદ ખાતે વિધિવિધાનથી કર્યું હતું.

​પેટ પેરેન્ટ્સ દ્વારા આ કામગીરીને બિરદાવવામાં આવી છે અને સ્વૈચ્છિક રીતે રૂ. ૪,૫૮,૧૦૧ નું દાન પણ આપવામાં આવ્યું છે.

​”રેબીસ ફ્રી સિટી-૨૦૩૦” તરફ અમદાવાદની મક્કમ કૂચ

અમદાવાદ શહેરને વર્ષ ૨૦૩૦ સુધીમાં હડકવા મુક્ત કરવા માટે AMC દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરાયો છે:

​જીઓ-ટેગિંગ આધારિત ડોગ સેન્સસ: એપ્રિલ-૨૦૨૬ થી એપ-બેઝડ અને જીઓ-ટેગિંગ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. હાલ સુધીમાં ૧૦ વોર્ડમાં કામગીરી પૂર્ણ થઈ છે અને માર્ચ ૨૦૨૭ સુધીમાં સમગ્ર શહેરનો સંપૂર્ણ રીપોર્ટ તૈયાર થઈ જશે.

​માસ વેક્સિનેશન અને માઇક્રોચિપિંગ: શ્વાનની ઓળખ અને રી-વેક્સિનેશન સરળ બનાવવા માટે અત્યાર સુધીમાં ૭,૯૫૨ શ્વાનમાં માઇક્રોચિપિંગ ઇન્સર્ટ કરવામાં આવ્યું છે.

​નવા ડોગ શેલ્ટર: હાલમાં ૬૫૭ ક્ષમતાવાળા કેનાલ્સ કાર્યરત છે. આ ઉપરાંત વસ્ત્રાલ (સપ્ટેમ્બર-૨૬ સુધીમાં) અને લાંભા (ઓક્ટોબર-૨૬ સુધીમાં) ખાતે ૩૦૦-૩૦૦ ની ક્ષમતા ધરાવતા નવા ડોગ શેલ્ટર તૈયાર થઈ રહ્યા છે.

​પાલતુ પ્રાણીઓનું નોંધપાત્ર રજીસ્ટ્રેશન

શહેરમાં પાલતુ શ્વાન અને બિલાડીઓનું નોંધણી (Registration) પણ મોટા પાયે થઈ રહ્યું છે:

​પાલતુ શ્વાન (Pet Dog): કુલ ૧૭,૪૪૫ માલિકો દ્વારા ૧૮,૮૧૭ શ્વાનની નોંધણી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ લેબ્રાડોર રીટ્રીવર (૩,૯૩૯), જર્મન શેફર્ડ (૧,૫૨૭) અને શિહ ત્ઝુ (૧,૪૯૭) બ્રીડ નોંધાયા છે.

​પાલતુ બિલાડી (Pet Cat): અત્યાર સુધીમાં ૨૦૭ માલિકો દ્વારા ૨૭૩ બિલાડીઓની નોંધણી કરવામાં આવી છે.

​સીએનસીડી વિભાગ દ્વારા તમામ પાલતુ પ્રાણી પ્રેમીઓને પોતાના શ્વાન કે બિલાડીનું રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.

Related Posts