કચ્છના નખત્રાણામાં ભંગાર ખાલી કરતી વખતે પ્રચંડ બ્લાસ્ટ: ૨ સગા ભાઈ અને ૨ માસુમ બાળકો સહિત ૪ના કરુણ મોત

by Bansari Bhavsar

નખત્રાણા/કચ્છ:

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામ નજીક ભગાનવાડા વિસ્તારમાં શનિવારે બપોરે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. ભંગારનો વ્યવસાય કરતા એક જ પરિવારના સભ્યો માલસામાન ખાલી કરી રહ્યા હતા, ત્યારે અચાનક થયેલા ધમાકા સાથે વાહનમાં પ્રચંડ વિસ્ફોટ થતાં બે સગા ભાઈઓ અને તેમના બે નાના બાળકો સહિત ૪ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.

​માસુમો સહિત ૪ લોકોના સ્થળ પર જ મોત

મૃતકો ભંગાર એકઠો કરી પોતાના ઘર પાસે આવેલા યાર્ડમાં માલસામાન ઉતારી રહ્યા હતા. આ દરમિયાન વાહનના પાછળના ભાગમાં વિસ્ફોટ થતાં ગાડીનો પછડાટ એટલો તીવ્ર હતો કે આસપાસનો વિસ્તાર ગૂંજી ઊઠ્યો હતો.

​મૃતકોની ઓળખ નીચે મુજબ થઈ છે:

​મોહમ્મદ ઇલિયાસ કુંભાર (ઉં.વ. ૩૦)

​નૂર મોહમ્મદ ઇલિયાસ કુંભાર (ઉં.વ. ૨૬) (મોહમ્મદ ઇલિયાસના સગા ભાઈ)

​હસનેન મોહમ્મદ (ઉં.વ. ૩.૫ વર્ષ) (મોહમ્મદ ઇલિયાસનો પુત્ર)

​નૂર ફાતિમા (ઉં.વ. ૩ વર્ષ) (નૂર મોહમ્મદની પુત્રી)

​પોલીસ અને FSL ની ટીમ તપાસમાં જોતરાઈ

ધમાકાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તુરંત દોડી આવ્યા હતા અને નખત્રાણા પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી નખત્રાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. એ. એમ. પટેલ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તમામ ચારેય મૃતદેહોને કબ્જે કરી પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

​બ્લાસ્ટનું કારણ અજ્ઞાત: બે શક્યતાઓ પર તપાસ

પ્રાથમિક અનુમાન મુજબ, વાહનની ડીઝલ ટેન્કમાં બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, વાહનમાં લાવવામાં આવેલા ભંગારના માલસામાનમાં કોઈ જ્વલનશીલ પદાર્થ, કેમિકલ અથવા વિસ્ફોટક વસ્તુ હતી કે કેમ તે અંગે પણ શંકા સેવાઈ રહી છે.

​સાચું કારણ જાણવા માટે ગાંધીનગર/સ્થાનિક FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમે ઘટનાસ્થળેથી નમૂના એકત્ર કર્યા છે. એફ.એસ.એલ. નો રિપોર્ટ આવ્યા બાદ જ વિસ્ફોટનું સાચું અને ટેકનિકલ કારણ સ્પષ્ટ થશે. એક જ પરિવારના ચાર-ચાર સભ્યોના કરુણ મોતથી સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ છે.

Related Posts