અમદાવાદ:
ગુજરાતમાં ગેરકાયદે કોસ્મેટિક્સ ઉત્પાદન અને રીપેકિંગ કરતી પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) ગુજરાત રાજ્યના કમિશનરશ્રીના નેતૃત્વમાં સમગ્ર રાજ્યભરમાં સઘન તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “નાગરિકોના આરોગ્ય અને સલામતી સાથે ચેડાં કરતી કોઈપણ પ્રવૃત્તિ સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ અભિગમ ધરાવે છે અને આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી જારી રહેશે.”
ત્રાગડના ફ્લેટમાં ચાલતું હતું ગેરકાયદે રીપેકિંગ નેટવર્ક
ગુપ્ત બાતમીના આધારે FDCA ની ટીમ દ્વારા અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં આવેલી ‘આનકી હર્બલ’ નામની પેઢી પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આ પેઢી જરૂરી સરકારી લાયસન્સ મેળવ્યા વગર અને ગુણવત્તાનું પરીક્ષણ કર્યા વિના જ બલ્ક પેકમાંથી કોસ્મેટિક્સનું ગેરકાયદે ઉત્પાદન અને રીપેકિંગ કરતી હતી.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રવૃત્તિ માટેનું બલ્ક મટીરીયલ અમદાવાદના ઓઢવ ખાતે આવેલી ‘રવી માર્કેટીંગ’ પાસેથી ખરીદવામાં આવતું હતું. જ્યારે ત્રાગડમાં શિવાન્તા રીગેલના એક ફ્લેટ ખાતે કોસ્મેટિક્સનું રીપેકિંગ અને ગ્લિસરીન સાબુનું ઉત્પાદન ચાલતું હતું. હાલમાં તંત્ર દ્વારા ‘રવી માર્કેટીંગ’ ખાતે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
₹૨.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત અને સેમ્પલિંગ
કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં સમાવિષ્ટ છે:
ફેરનેસ ક્રીમ અને ડાર્ક સર્કલ ક્રીમ
શેમ્પુ, હેર ઓઇલ અને બોડી વોશ
ફેસ વોશ, સ્ક્રબ અને સોલિડ પરફ્યુમ
ગ્લિસરીન બેઝ સાબુનો જથ્થો, કાચો માલ, પેકિંગ મટીરીયલ અને છાપેલા લેબલ્સ
સ્થળ પરથી એકત્ર કરાયેલા કુલ ₹૨.૬૮ લાખથી વધુના મુદ્દામાલમાંથી ઔષધિય ગુણવત્તાની ચકાસણી માટે ૧૦ વિવિધ કોસ્મેટિક પ્રોડક્ટ્સના નમૂનાઓ લઇને લેબોરેટરી પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
BP ની નકલી દવા કૌભાંડમાં આંતરરાજ્ય સિન્ડિકેટનો ભાંડો ફૂટ્યો
બીજી તરફ, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને FDCA ની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં બ્લડ પ્રેશર (BP) ની નકલી દવાઓ બનાવી વેચતી આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અમદાવાદ તથા લખનઉ (ઉત્તર પ્રદેશ) ના કુલ ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ સફળ ઓપરેશન બદલ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાન્ચ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને બિરદાવીને અભિનંદન આપ્યા હતા. સાથે જ તેમણે ગુજરાતની જનતાને ખાતરી આપી હતી કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારા તત્વો સામે સરકાર કોઈપણ જાતના સમાધાન વગર કડક કાર્યવાહી કરીને આરોપીઓને સખત સજા અપાવશે.