ધોળકા:
સોના-ચાંદીમાં રોકાણ પર સારો નફો આપવાની લાલચ આપી લોકોની જીવનભરની બચત પડાવી લેવાના કૌભાંડમાં ધોળકા ટાઉન પોલીસે મોટી સફળતા મેળવી છે. ‘ઓમ જ્વેલર્સ’ના માલિક પિતા-પુત્ર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી અમિતકુમાર ગુણવંતલાલ સોનીની અટકાયત કરી છે.
કૌભાંડની વિગત:
ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સના માલિક અમિતકુમાર ગુણવંતલાલ સોની અને તેમના પુત્ર પાર્થ અમિતકુમાર સોનીએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. તેઓએ રોકાણકારોને ૧ કિલો ચાંદીના ₹૧,૨૪,૫૦૦ લેખે કુલ ૧૧૩ કિલો ચાંદીમાં ₹૧,૪૧,૧૪,૧૫૫ નું રોકાણ કરાવી ડિપોઝિટ જમા કરાવી હતી.
રોકાણકારોએ અવારનવાર નાણાં અને નફાની ઉઘરાણી કરતા આરોપીઓએ થોડા દાગીના અને રોકડ પરત કરી હતી. પરંતુ બાકી નીકળતા ₹૭૪,૫૧,૭૭૬ પરત ન આપીને ખોટા વાયદા કર્યા હતા અને નાણાં ડૂબાડીને ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો.
પોલીસ કાર્યવાહી:
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને નાયબ પોલીસ અધિક્ષક આસ્થા રાણાની સૂચના હેઠળ ધોળકા ટાઉન પી.આઈ. એ.આર. ધવન અને ટીમે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી અમિતકુમાર સોનીની તાત્કાલિક ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે આરોપીના ૦૬/૦૯/૨૦૨૬ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
એક જ પરિવારની સમાન મોડસ ઓપરેન્ડી:
પોલીસની પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ પણ આ જ પરિવારના ‘હરિ જ્વેલર્સ’ના માલિક ઘનશ્યામ ગુણવંતભાઈ સોની, યશકુમાર સોની અને દીપકુમાર સોની વિરુદ્ધ સોના-ચાંદીમાં રોકાણના નામે છેતરપિંડીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. બંને કિસ્સામાં સોના-ચાંદીના વેપારના બહાને વિશ્વાસ કેળવી, રોકાણ મેળવીને પૈસા મોજશોખમાં વાપરી નાખવાની એકસરખી મોડસ ઓપરેન્ડી જોવા મળી છે.
પોલીસની જાહેર અપીલ:
ધોળકા ટાઉન પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોના-ચાંદીમાં રોકાણના નામે જો કોઈ અન્ય વ્યક્તિ પણ ભોગ બની હોય, તો તે ભય કે સંકોચ વિના ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન અથવા મોબાઈલ નંબર 6359626372 / 9825795168 પર સંપર્ક કરી શકે છે.