અમદાવાદ પોલીસનું “શસ્ત્ર છોડો, શાંતિ જોડો” અભિયાન: સ્વેચ્છાએ ૪૭૭ હથિયારો પોલીસ સમક્ષ સમર્પિત
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તથા નાગરિકોમાં સુરક્ષા અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી છે. સંયુક્ત પોલીસ કમિશનર નીરજકુમાર બડગૂજરના નેતૃત્વમાં સેક્ટર-૧ વિસ્તારમાં “શસ્ત્ર છોડો, શાંતિ જોડો” અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત સેક્ટર-૧ હેઠળ આવતા વિવિધ ઝોનના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પી.એ. સિસ્ટમ દ્વારા જાહેરમાં અપીલ કરવામાં આવી હતી. નાગરિકોને પોતાની પાસે રહેલા ગેરકાયદેસર શસ્ત્રો જેવા કે તલવાર, છરી, ચપ્પુ, લાકડી અને પાઈપ સ્વેચ્છાએ પોલીસ સમક્ષ જમા કરાવી દેવા જણાવવામાં આવ્યું હતું.
પોલીસની આ સરાહનીય અપીલને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે, જેના પરિણામે સેક્ટર-૧ માંથી કુલ ૪૭૭ ઘાતક હથિયારો સ્વેચ્છાએ સરેન્ડર કરવામાં આવ્યા છે.
ઝોન વાઈઝ જમા થયેલા હથિયારોની વિગત:
* ઝોન-૧: ૯૩ હથિયાર
* ઝોન-૨: ૮૫ હથિયાર
* ઝોન-૩: ૬૧ હથિયાર
* ઝોન-૭: ૨૩૮ હથિયાર
પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવાનો નથી, પરંતુ સમાજમાંથી હિંસા અને ભયનું વાતાવરણ દૂર કરી શાંતિ, સલામતી અને કાયદાના પાલનની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે. અમદાવાદ શહેર પોલીસે નાગરિકોને અનુરોધ કર્યો છે કે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર શસ્ત્રો ન રાખે અને જો કોઈ પાસે આવી માહિતી હોય તો તુરંત નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી શહેરને વધુ સુરક્ષિત બનાવવામાં સહયોગ આપે.