અમદાવાદ:
શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-૦૧) દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાના આધારે સોલા હાઇકોર્ટ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભાડજ ગામ ખાતે આવેલા એક જાણીતા કેફેમાં ચાલતા ગેરકાયદે હુક્કાબારનો પર્દાફાશ કરી પોલીસે એક આરોપીની અટકાયત કરી છે.
બાતમીના આધારે હાથ ધરાયું સર્ચ ઓપરેશન
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુકણની રાહબરી હેઠળ પો.સ.ઇ. એન.એસ. સિંઘ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાડજ ગામ સુપરસીટી રોડ પર આવેલા “ધ વિન્ટેજ બ્રુ કેફે”ના સંચાલકો આર્થિક ફાયદા માટે ગ્રાહકોને હર્બલ ફ્લેવરને બદલે નિકોટીન યુક્ત તમાકુવાળા હુક્કા પીવડાવી ગેરકાયદે હુક્કાબાર ચલાવી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે બે સ્વતંત્ર પંચોને સાથે રાખીને કેફે પર દરોડો પાડ્યો હતો.
મુદ્દામાલ જપ્ત અને આરોપી સામે ગુનો દાખલ
રેઇડ દરમિયાન કેફેના સંચાલક હર્ષ ચેતનભાઇ પટેલ (ઉં.વ. ૨૭, રહે. ભાડજ) ની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તે તેના ભાગીદાર વિશાલ ખેંગારભાઇ રબારી (રહે. વાસણા) સાથે મળીને આ કેફે ભાડે રાખીને ચલાવતો હતો.
પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૬,૦૨૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં સમાવેશ થાય છે:
હુક્કા: ૦૭ નંગ (કિંમત રૂ. ૫,૬૦૦/-)
ફીલ્ટર: ૦૭ નંગ (કિંમત રૂ. ૨૧૦/-)
ફ્લેવર બોક્સ: ફ્લેવર ભરેલા સીલબંધ બોક્સ અને ડબ્બા (કિંમત રૂ. ૨૧૦/-)
આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ધી સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (જાહેરાત પર પ્રતિબંધ અને વેપાર, વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠો અને વિતરણનું નિયમન) અધિનિયમ ૨૦૦૩ (COPTA) ની કલમ-૭ અને ૨૦(૨) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.