અમદાવાદ:
અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી ભીમસિંહની ચાલી (ગાંધીનગરનો ટેકરા) ખાતે એક અત્યંત કમકમાટીભરી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઘરકંકાસ અને આર્થિક સંકડામણના કારણે લોહીના સંબંધો લજવાયા છે, જ્યાં મોટા ભાઈ રાજુ રતિલાલ ચૌહાણે પોતાના જ 28 વર્ષીય નાના ભાઈ નરેશ ચૌહાણની તીક્ષ્ણ કાતરના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી છે.
ઘટનાની વિગત:
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક નરેશ ચૌહાણ છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હતો. આર્થિક સંકડામણ અને રોજિંદી બાબતોને લઈને બંને ભાઈઓ વચ્ચે ઘરમાં અવારનવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા. સાંજના સમયે પણ પૈસા અને ઘરખર્ચની બાબતે બંને ભાઈઓ વચ્ચે મામલો બિચક્યો હતો.
બોલાચાલી ઉગ્ર બનતાં આવેશમાં આવેલા મોટા ભાઈ રાજુએ ઘરમાં પડેલી તીક્ષ્ણ કાતર વડે નાના ભાઈ નરેશ પર નિર્દયતાપૂર્વક હુમલો કરી દીધો હતો. રાજુએ નરેશની પીઠ અને પેટના ભાગે ઉપરાછાપરી 7થી 8 ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી રાજુ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
પોલીસ કાર્યવાહી અને તપાસ:
થોડી વાર બાદ નરેશની બહેન ઘરે પહોંચતાં ભાઈને લોહીના ખાબોચિયામાં પડેલો જોઈને ચીસાચીસ કરી મૂકી હતી અને તાત્કાલિક વાડજ પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પોલીસ અને તબીબી ટીમ સ્થળ પર પહોંચી ત્યારે નરેશનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.પી. ગરાસિયાના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં બેરોજગારી અને આર્થિક સંકડામણથી ઉપજેલા ઘરકંકાસના કારણે આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.
વાડજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મોટા ભાઈ રાજુ ચૌહાણની અટકાયત કરી લીધી છે.
ગુનામાં વપરાયેલું હથિયાર (કાતર) કબજે કરવાની અને મૃતકની બહેનની ફરિયાદ આધારે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ કરવાની તજવીજ ચાલુ છે.
આ ઘટનાને પગલે સમગ્ર નવા વાડજ વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.