અમદાવાદ:
શહેરના વાસણા વિસ્તારમાં આવેલ ભાઠા ગામ પાસેના ચાર માળિયા આવાસમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન બંધ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ₹1.98 લાખની મત્તાની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી (CCTV) અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ ચોરીનો ઉકેલ લાવી 3 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે 1 આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી કીર્તિબેન દાતણીયા પોતાના પરિવાર સાથે શાહપુર ખાતે તહેવાર ઉજવવા ગયા હતા, તે દરમિયાન ચોરોએ તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી તિજોરીમાંથી રૂ. 48,000 રોકડા તથા સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી.
બનાવની જાણ થતાં જ વાસણા પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત બાતમીદારો અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ મેળવીને ગણતરીના કલાકોમાં જ ઘરફોડ ચોરીમાં સામેલ 3 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસે તપાસ દરમિયાન આવાસ વિસ્તારમાંથી જ રહેતા અને ચોરીની ઘટનાને અંજામ આપનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે:
મનીષ ઉર્ફે બબલુ મનુભાઈ દંતાણી (ઉં.વ. 25, ધંધો: મજૂરી, રહે. બ્લોક 32, ઘર નં. 1011, ભાઠા ગામ, વાસણા)
રાહુલ ઉર્ફે કાળુ ચમનભાઈ સોલંકી (ઉં.વ. 20, રહે. બ્લોક 28, ઘર નં. 893, ભાઠા ગામ, વાસણા)
રાકેશ ઉર્ફે લાલો વિનોદભાઈ ચારણ (ઉં.વ. 20, ધંધો: મજૂરી, રહે. બ્લોક 14, ભાઠા ગામ, વાસણા)
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી રોકડમાંથી ₹24,000 નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
જ્યારે આ ગુનામાં સંડોવાયેલ ચોથો આરોપી રાહુલ બાબુભાઈ વેડવા (રહે. બ્લોક 24, ભાઠા ગામ, વાસણા) હાલ ચોરી કર્યા બાદ નાસતો ફરે છે. જેને વોન્ટેડ જાહેર કરી વાસણા પોલીસે તેને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ ચાલુ રાખી છે.