માધુપુરામાં ઘીના વેપારીઓ ત્યાં સઘન ચેકિંગ, ૨૫ રેપિડ ટેસ્ટ કરાયા

by Bansari Bhavsar

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના માધુપુરા વિસ્તારમાં ઘીના વેપાર સાથે સંકળાયેલા એકમોમાં તપાસ કરવામાં આવી હતી.

​માધુપુરામાં ઘીના ૨૫ રેપિડ ટેસ્ટ કરાયા

​માધુપુરા વિસ્તારમાં ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ છે કે કેમ તેની ચકાસણી કરવા માટે સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કીટની મદદથી વિવિધ બ્રાન્ડ્સના અંદાજે ૨૫ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ડાયનામીક્ષ, મધર ડેરી, પ્રભાત, શ્રીમંત, રામજી, ચંદ્રકમલ, ડોડલા, નોવા, પારસ, ગોવર્ધન અને અમૂલ સહિતની બ્રાન્ડ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સદભાગ્યે, સ્થળ પર કરવામાં આવેલા તમામ ૨૫ ટેસ્ટમાં વેજીટેબલ ફેટની કોઈ હાજરી જણાઈ આવી ન હતી. તેમ છતાં, કાયદેસરની તપાસ અને વિશ્લેષણ માટે આ તમામ બ્રાન્ડ્સના ૧૧ જેટલા નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

​અગાઉ પકડાયેલ સબસ્ટાન્ડર્ડ માવા મામલે મોટી કાર્યવાહી

​અગાઉ ગોમતીપુરના કોલ્ડ સ્ટોરેજમાંથી લેવાયેલા માવાના ૪ નમૂનાઓ પૈકી અસારવા સ્થિત ‘તુલસી માવા સેન્ટર’નો માવો સબસ્ટાન્ડર્ડ (ધોરણસરનો નહીં) જાહેર થયો હતો. આ માવાનું ઉત્પાદન રાજસ્થાનના ઉદયપુર ખાતેથી થતું હોવાનું સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ (ગાંધીનગર અને રાજસ્થાન) ને જાણ કરવામાં આવી છે. આ કેસમાં કુલ ૫૧૦ કિલોગ્રામ માવાનો જથ્થો સ્થગિત કરી જાહેર આરોગ્યના હિતમાં તુલસી માવા સેન્ટરને સીલ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, આ સેન્ટર દ્વારા નરોડા, ખોખરા, નિકોલ અને નાના ચિલોડા સહિતના વિવિધ સ્વીટ માર્ટ અને ચવાણાના એકમોને માવો પૂરો પાડવામાં આવતો હોવાની વિગતો પણ સામે આવી છે.

​લેબલ વગરના જથ્થા સામે નોટિસ અને કાર્યવાહી

​ગાંધીનગરના ઢબોડા રોડ સ્થિત રાધિકા ફૂડ પ્રોડક્ટ્સના ગોમતીપુર કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા રજવાડી સ્વીટ અને ઇન્ડિયન ડેઝર્ટના પેકેટ પર બેચ નંબર, ઉત્પાદન તારીખ કે એક્સપાયરી ડેટ દર્શાવેલ ન હોવાથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, ૨૦૦૬ હેઠળ નોટિસ આપવામાં આવી છે. સાથે જ ૪૧,૪૦૦ કિલોગ્રામ જેટલો આ શંકાસ્પદ જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે.

​તંત્રની ચેતવણી

​AMC ના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈ, માવો, ઘી અને અન્ય ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા એકમો પર સતત નજર રાખવામાં આવશે. જો કોઈ પણ વેપારી નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાશે, તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ દંડ અને સીલ કરવાની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related Posts