વટવામાં ઠગ ટોળકીનો કારસો: નજરબંધી કે યુક્તિ-પ્રયુક્તિ કરી રૂ. ૪.૪૦ લાખના સોનાના દાગીના સેરવી લીધા

by Bansari Bhavsar

​ઘોડાસર વિસ્તારના ૭૫ વર્ષીય વૃદ્ધા સાથે બની છેતરપિંડી

​પોલીસે ગુનો નોંધી પો.સ.ઈ. વી.યુ. રહેવરે તપાસ હાથ ધરી

​અમદાવાદ:

વટવા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ છેતરપિંડી અને વિશ્વાસઘાતની એક ચોંકાવનારી ઘટનાને અંજામ આપ્યો છે. જોગસટ પાટક પાસે રોડ પર ચાલીને જઈ રહેલા ૭૫ વર્ષીય વૃદ્ધાને વાતોમાં ફસાવીને અજાણ્યા શખ્સો રૂ. ૪,૪૦,૦૦૦ ની કિંમતના સોનાના અસલી દાગીના બદલીને નકલી પધરાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

​શું હતી ઘટના?

​પ્રાપ્ત માહિતી અનુસાર, વટવાના ઘોડાસર ખાતે આવેલા મહાદેવ પ્લેટિનિયમમાં રહેતા ગૌરીબહેન વાલજીભાઈ પટેલ (ઉ.વ. ૭૫) ગત તા. ૧૮ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સવારે ૮:૪૫ વાગ્યાના સુમારે વટવા જોગસટ પાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા.

​તે દરમિયાન તેમની સાથે એક અજાણ્યો પુરૂષ પણ સાથે-સાથે ચાલી રહ્યો હતો. થોડે આગળ જતાં અન્ય બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને સાથે ચાલી રહેલા પુરૂષને બોલાવીને કહ્યું હતું કે, “આગળ પોલીસ ઊભી છે.” આ વાત સાંભળીને સાથે ચાલતા શખ્સે તેના ગળામાં પહેરેલી કંઠી કાઢીને પોતાના શર્ટના ખિસ્સામાં મૂકી દીધી હતી.

​કાગળમાં વીંટીને થેલીમાં મૂકાવી દીધા દાગીના

​આ ત્રણેય ભેજાબાજ અજાણ્યા શખ્સોએ વૃદ્ધા ગૌરીબહેનને પણ ભ્રમમાં મૂકી દીધા હતા. તેમણે ગૌરીબહેનના હાથમાં પહેરેલી સોનાની બે બંગડીઓ (કિંમત રૂ. ૨,૨૦,૦૦૦) તથા ગળામાં પહેરેલી સોનાની કંઠી (કિંમત રૂ. ૨,૨૦,૦૦૦) મળીને કુલ રૂ. ૪,૪૦,૦૦૦/- ની કિંમતના સોનાના દાગીના ઉતરાવી લીધા હતા.

​ત્યારબાદ આ દાગીના એક કાગળમાં વીંટીને ગૌરીબહેનની પોતાની થેલીમાં મુકાવી દીધા હતા અને થેલી તેમને પરત આપીને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા.

​ઘરે પહોંચીને થેલી તપાસતા ભાંડો ફૂટ્યો

​ઘટના બાદ ગૌરીબહેન ઘરે પહોંચ્યા અને પોતાની થેલી ખોલીને જોયું તો તેમના હોશ ઉડી ગયા હતા. કાગળમાં સોનાના અસલી દાગીનાને બદલે હાથમાં પહેરવાના નકલી પાટલા (ખોટા દાગીના) જોવા મળ્યા હતા. અજાણ્યા શખ્સો દ્વારા યુક્તિ-પ્રયુક્તિ અને નજરબંધી કરી સોનાના દાગીના બદલી લેવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થતાં તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું.

​પોલીસ તપાસ શરૂ

​આ બનાવ અંગે ગૌરીબહેન ગૌરીબહેન વાલજીભાઇ પટેલે તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ વટવા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. હાલ આ સમગ્ર ગુનાની વધુ તપાસ વટવા પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. શ્રી વી.યુ. રહેવર ચલાવી રહ્યા છે અને અજાણ્યા ઠગ ઇસમોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts