અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અસામાજીક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને એક મોટી સફળતા મળી છે. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તેલાવ ગામે એક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને પોલીસે ૭ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, મોબાઈલ અને વાહનો સહિત કુલ રૂ. ૯,૨૭,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાતમીના આધારે મકાનમાં દરોડો
મળતી માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ અને પોલીસ મહાનિરીક્ષક રાઘવેંન્દ્ર વત્સ દ્વારા જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ અંતર્ગત એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.બી. રાઠોડની ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલાવરસિંહ વાઘેલા અને પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે તેલાવ ગામે કનુભાઈ ભગવાનભાઈ મંડોરાના મકાનમાં કેટલાક ઈસમો ભેગા થઈને પૈસાની હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા જુગાર રમતા ૭ આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
કુલ રૂ. ૯.૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
રોકડ રકમ: રૂ. ૧,૨૨,૮૦૦/-
મોબાઈલ ફોન: ૭ નંગ (કિંમત રૂ. ૫૫,૦૦૦/-)
વાહનો: ૫ નંગ (કાર, રિક્ષા અને ટુ-વ્હીલર સહિત કિંમત રૂ. ૭,૫૦,૦૦૦/-)
કુલ મુદ્દામાલ: રૂ. ૯,૨૭,૮૦૦/-
પકડાયેલા આરોપીઓની યાદી
૧. કનુભાઈ ભગવાનભાઈ મંડોરા (રહે. તેલાવ, સાણંદ)
૨. દીલીપભાઈ ભલાભાઈ ઠાકોર (રહે. સાણંદ)
૩. નવીન સવજીભાઈ રાઠોડ (રહે. અમદાવાદ શહેર)
૪. આસીકભાઈ ઈમામભાઈ દીવાન (રહે. તેલાવ, સાણંદ)
૫. મહેશભાઈ રસીકભાઈ ચુનારા (રહે. તેલાવ, સાણંદ)
૬. અરૂણ બળદેવજી ઠાકોર (રહે. તેલાવ, સાણંદ)
૭. મુકેશભાઈ જીવણભાઈ ખરડીયા (રહે. તેલાવ, સાણંદ)
આ સફળ કામગીરી કરનાર એલ.સી.બી. ટીમની આજુબાજુના વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે અને પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.