નડીયાદના બે શખ્સોએ ઈમીગ્રેશન કન્સલ્ટન્ટ સાથે કરી ₹24.50 લાખની છેતરપિંડી

વીઝાના બહાને ખેલાયો લાખોનો ખેલ: ખોટા દસ્તાવેજો બનાવી ગ્રાહકના નામે છેતરપિંડી કરનાર 'ક્રિશ ઓવરસીસ' ના ભાગીદારો સામે ગુનો દાખલ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના વાસણા વિસ્તારમાં ઈમીગ્રેશન કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતા એક વેપારી સાથે વીઝા પ્રોસેસિંગના બહાને ₹24.50 લાખની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. નડીયાદના બે શખ્સોએ ગ્રાહકના નામે ખોટા દસ્તાવેજો બનાવી વિશ્વાસઘાત કરતા વાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

​શું છે સમગ્ર ઘટના?

​વાસણા વિસ્તારમાં આવેલી આયોજનનગર સોસાયટીમાં રહેતા અને પાલડી ભઠ્ઠા પાસે ‘શ્રેય એજ્યુકેશન ઇન્ટરનેશનલ’ નામે ઈમીગ્રેશન ઓફિસ ધરાવતા નિર્વભાઈ શરદકુમાર શાહ (ઉ.વ. ૫૨) એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. નિર્વભાઈ લાંબા સમયથી વીઝા કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે. તેઓ વીઝા સંબંધિત કામગીરી માટે નડીયાદ સ્થિત ‘ક્રિશ ઓવરસીસ’ ના ભાગીદારો અર્પણ મધુકર અને અમિત પટેલ (રહે. વિજય શોપિંગ સેન્ટર, નડીયાદ) ના સંપર્કમાં હતા.

​ત્રણેક વર્ષ પહેલાં નિર્વભાઈ પાસે કૃપાબહેન પટેલ નામની એક ગ્રાહક વીઝા માટે આવી હતી. નિર્વભાઈએ કૃપાબહેનનું “કન્ફર્મેશન ઓફ સ્પોન્સરશિપ” (C.O.C.) નું કામ અર્પણ અને અમિતને સોંપ્યું હતું. આ કામ પેટે નિર્વભાઈએ ગ્રાહક પાસેથી મેળવેલા રૂ. ૨૪,૫૦,૦૦૦/- આરોપીઓને ચૂકવ્યા હતા.

​ખોટા દસ્તાવેજો પકડાયા

​આરોપીઓએ કૃપાબહેનના ડેટાના આધારે જે લેટર તૈયાર કર્યો, તેમાં ખોટી માહિતી ભરેલી હોવાનું બહાર આવ્યું હતું. નિર્વભાઈએ આ લેટર માન્ય ન રાખતા આરોપીઓ પાસે રૂપિયા પરત માંગ્યા હતા. જોકે, આરોપીઓએ રૂપિયા પરત કરવામાં ‘ગલ્લા-તલ્લા’ કરવાનું શરૂ કર્યું હતું. અંતે નિર્વભાઈએ પોતાની આબરૂ બચાવવા ગ્રાહક કૃપાબહેનને પોતાના ખિસ્સામાંથી ૨૪.૫૦ લાખ રૂપિયા પરત કરી દીધા હતા.

​પોલીસ કાર્યવાહી

​નિર્વભાઈની ફરિયાદ મુજબ, આરોપીઓએ:

​ખોટા દસ્તાવેજો અને સર્ટિફિકેટ બનાવ્યા.

​અભ્યાસ અંગેના બનાવટી પુરાવાઓ ઊભા કર્યા.

​વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી.

​તપાસની વિગત:

આ મામલે વાસણા પોલીસે અર્પણ મધુકર અને અમિત પટેલ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ કેસની તપાસ પો.સ.ઈ. શ્રી એ.ડી. જાદવ ચલાવી રહ્યા છે.

Related Posts