ભાવનગરમાં નકલી ઈંગ્લિશ દારૂ પીવાથી 9 લોકોનાં મોત, 46 સારવાર હેઠળ: ઉજેનથી બોલાવાયેલા દારૂ બનાવનારનું પણ મોત

by Bansari Bhavsar

ભાવનગરમાં ઝેરી અને નકલી ઈંગ્લિશ દારૂ પીવાના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 46થી વધુ લોકોની હાલતમાં ગંભીર અસર થતાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. 19 ઓગસ્ટની રાત્રે ગાંધી કોલોની સામે ગિલબર્ટ એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી સ્કૂલના શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી રસોડામાંથી રોયલ સ્ટેગની અડધી ભરેલી બોટલ જપ્ત કરી હતી.

​આ સિવાય કાળિયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે રહેતા 35 વર્ષીય જય જિતેન્દ્રભાઈ ભટ્ટીનું પણ આ નકલી દારૂના કારણે મોત થયું છે. પરિણીત જયેશભાઈ પોતાના પાછળ 8 વર્ષનો દીકરો અને 4 વર્ષની દીકરી મુકી ગયા છે.

​ઉજ્જૈનથી બોલાવાયો હતો ઝેરી દારૂ બનાવનારો કારીગર

ઘટનાની તપાસમાં સામે આવ્યું છે કે, ઝેરી દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોક્ટર’ને બોલાવવામાં આવ્યો હતો. તેણે સારસ, ગણેશ અને અમન સાથે મળીને ગૌતમ સોલંકીના ઘરે મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો. જોકે, આ ઝેરી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવે પણ પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું હતું, જેના કારણે બીજા જ દિવસે તેની તબિયત લથડતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

​અન્ય એક કિસ્સામાં, મૂળ ભાવનગરના અને હાલ સુરતમાં પરિવાર સાથે રહેતા 35 વર્ષીય સંજયસિંહ વતનમાં દારૂ પીને સુરત પહોંચતા જ બીમાર પડ્યા હતા અને ગંભીર હાલતમાં છેલ્લા 3 દિવસથી બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે.

​પોલીસ એક્શન: SMC અને LCBના દરોડા, 13ની અટકાયત

સ્થિતિ વણસતા બોટાદ અને અમરેલીથી 100 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. મોડી રાત સુધી SMC, LCB અને સ્થાનિક પોલીસે બૂટલેગરોના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ મામલે મુખ્ય સૂત્રધાર રઈસને ઈન્દોરથી SMC દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. કુલ 21 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને 13 લોકોની ધરપકડ કરાઈ છે.

​PI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

આ ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવતા ભાવનગર રેન્જ આઈજી દ્વારા વરતેજ પોલીસ મથકના PI એ.બી.ગોહિલ/પઢેરિયા અને અન્ય 4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

Related Posts