ગાંધીનગર:
ગાંધીનગર પોલીસે ગુપ્ત બાતમીના આધારે ચિલોડા સર્કલ નજીક દરોડો પાડીને ગેરકાયદેસર રીતે વહેલ માછલીની ઊલટી (એમ્બરગ્રીસ) નો જથ્થો લઈ જતા એક શખ્સની અટકાયત કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચિલોડા પોલીસે દરોડા દરમિયાન આરોપી પાસેથી ૧ કિલો ૨૦ ગ્રામ એમ્બરગ્રીસ કબ્જે કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત ₹૧,૦૦,૨૦,૦૦૦ (એક કરોડ વીસ હજાર) આંકવામાં આવી રહી છે.
ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ સ્પર્મ વહેલ માછલી સંરક્ષિત જીવોની શ્રેણીમાં આવતી હોવાથી એમ્બરગ્રીસનો કબ્જો રાખવો, હેરાફેરી કરવી કે તેનો વેપાર કરવો સંપૂર્ણપણે ગેરકાયદેસર અને શિક્ષાપાત્ર ગુનો છે. પોલીસે આ મામલે તમામ મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.