​ચાંગોદર પોલીસે ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો: ૨૨ તોલા સોનું અને ૧.૪૫ કિલો ચાંદી સહિત ₹૨૩.૭૦ લાખનો મુદ્દામાલ ઝડપાયો, ૪ આરોપીની ધરપકડ

by Bansari Bhavsar

ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સનાથલ ગામની સીમમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં ચાંગોદર પોલીસને સફળતા મળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ગુનો ડિટેક્ટ કરીને ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી સોના-ચાંદીના કિંમતી દાગીના, રોકડ રકમ તેમજ વાહન મળી કુલ ₹૨૩,૭૦,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​ઘટનાની વિગત

ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોજે વિલા નં. ૦૯, એપલવુડ વિલા (સનાથલ ગામની સીમ, તા. સાણંદ) ખાતે ગત તારીખ ૨૪/૦૭/૨૦૨૬ થી ૨૭/૦૭/૨૦૨૬ દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ ઘરફોડ ચોરી આચરી હતી. આ અંગે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૩) મુજબ ગુનો નોંધાયો હતો.

​અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ચાંગોદર પોલીસ ઇન્સ્પેક્ટર એન. એચ. સવસેટાની સર્વેલન્સ ટીમે આ ગુનાનો ઉકેલ લાવવા ચક્ર ગતિમાન કર્યા હતા.

​પોલીસે આ રીતે ગોઠવી જાળ

બાતમીદાર અને ટેકનિકલ સોર્સિસથી માહિતી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ કાળા કલરની હોન્ડા X-TREME બાઇક (નંબર: RJ-12-NS-9273) પર ચોરીના દાગીના વેચવા માટે સરખેજ તરફથી સનાથલ સર્કલ આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને તમામ આરોપીઓને કોર્ડન કરી પકડી પાડ્યા હતા.

​ઝડપાયેલા આરોપીઓ

​કલ્પેશ માંજીભાઇ અમરજી પટેલ (રહે. ઓડાના મકાન, વેજલપુર, અમદાવાદ / મૂળ રહે. ડુંગરપુર, રાજસ્થાન)

​નારાયણ ડુંગરજી તાજેન પટેલ (રહે. પાવાપુરી સોસાયટી, જનતાનગર, અમદાવાદ / મૂળ રહે. ડુંગરપુર, રાજસ્થાન)

​રાનુ ઇશ્વરલાલ સવજી ભોઇ (રહે. સરઘાસણ, ગાંધીનગર / મૂળ રહે. ડુંગરપુર, રાજસ્થાન)

​દિનેશ રતનલાલ ગૌતમજી ભોઇ (રહે. પ્રતાપગઢ, રાજસ્થાન)

​વોન્ટેડ આરોપી: હરીશ દલપતભાઇ કાળુભાઇ કટારા (રહે. ડુંગરપુર, રાજસ્થાન)

​રિકવર કરાયેલ મુદ્દામાલ

​સોનાના દાગીના (૧૩૮.૬૪ ગ્રામ) – કિંમત ₹૧૦,૩૭,૩૦૦/-

​સોનાની લગડી (૮૮.૪૫ ગ્રામ) – કિંમત ₹૯,૦૦,૦૦૦/-

​ચાંદીના દાગીના (૧૪૫૬.૧૭ ગ્રામ) – કિંમત ₹૨,૬૫,૩૦૦/-

​રોકડ રકમ – ₹૮૦,૦૦૦/-

​હોન્ડા X-TREME બાઇક – કિંમત ₹૪૦,૦૦૦/-

​૦૪ મોબાઈલ ફોન અને ૩ ઘડિયાળ – કિંમત ₹૪૮,૦૦૦/-

​કુલ રિકવરી: ₹૨૩,૭૦,૬૦૦/-

​પકડાયેલા આરોપીઓ પૈકી નારાયણ પટેલ, હરીશ કટારા અને રાનુ ભોઇ અગાઉ પણ સેટેલાઇટ, એલિસબ્રિજ અને બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts