ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વલ્લભીપુરમાં આવેલા પ્રખ્યાત રાંદલ માતાજી મંદિરના ટ્રસ્ટી પર ગામના જ એક પિતા-પુત્રે ૮ વર્ષ જૂની જાહેરાતના રૂપિયાની ઉઘરાણી બાબતે જીવલેણ હુમલો કર્યો છે. આ અંગે ભોગ બનનાર ટ્રસ્ટીએ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૮ વર્ષ જૂની જાહેરાતના ₹૬,૫૦૦ મુદ્દે થઈ તકરાર
મળતી માહિતી મુજબ, ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ વલ્લભીપુરમાં ગામના એક વ્યક્તિના અવસાન બાદ રાંદલ માતાજી મંદિર પરિસરમાં બેસણું રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન મૂળ વલ્લભીપુરના અને હાલ ગાંધીનગર રહેતા મહેન્દ્ર બચુભાઈ મહેતા અને તેમનો પુત્ર જય મહેતા ત્યાં આવ્યા હતા. મહેન્દ્રભાઈએ મંદિરના ટ્રસ્ટી અલ્પેશ બધેકા પાસે ૮ વર્ષ પહેલાંની આંગડિયા પેઢીની જાહેરાતના ₹૬,૫૦૦ની ઉઘરાણી કરી હતી. ટ્રસ્ટીએ આ બાબતે તેમના ભત્રીજા સાથે વાત કરવાનું કહેતાં જ પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા.
પાઇપ અને પટ્ટા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
વાતચીત દરમિયાન મામલો એટલો બિચક્યો કે ઉશ્કેરાયેલા પિતા-પુત્રે મંદિર સંકુલમાં જ અલ્પેશભાઈ પર પાઇપ અને કમરપટ્ટા વડે હુમલો કરી દીધો હતો. તેમણે ટ્રસ્ટીને ઢોર માર મારી શરીર પર મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, હુમલાખોરોએ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
આ હુમલા બાદ પીડિત ટ્રસ્ટી અલ્પેશભાઈ બધેકાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેમની ફરિયાદના આધારે હુમલો કરનાર પિતા મહેન્દ્ર મહેતા અને પુત્ર જય મહેતા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ (ગુજરાત પોલીસ એક્ટ) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.