અમદાવાદ:
અમદાવાદ શહેરના બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોલાર ઇન્વર્ટર ખરીદવાના નામે રૂ. ૧,૪૬,૭૩,૯૧૩/- (એક કરોડ છેતાલીસ લાખ તોંતેર હજાર નવસો તેર) ની મોટી છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જોકે, બનાવ અંગે ફરિયાદ નોંધાયા બાદ બાપુનગર પોલીસે ત્વરિત કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને રાજકોટથી ઝડપી પાડી જેલભેગો કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
નિકોલ-નરોડા રોડ પર આવેલા બાપા સીતારામ બંગ્લોઝમાં રહેતા ૩૪ વર્ષીય વેપારી પાર્થ રમેશભાઇ રંઘોળીયાને પોતાની કંપની માટે સોલાર ઇન્વર્ટરની જરૂરિયાત હતી. તે દરમિયાન રાજકોટ ખાતે રહેતા આરોપી હિતેશભાઇ રમેશભાઇ ભુવા (ઉં.વ. ૩૮, મૂળ રહે. સડકપિપળીયા, તા. ગોંડલ, જી. રાજકોટ) એ તેમનો સંપર્ક કર્યો હતો.
આરોપીએ વેપારીને સોલાર ઇન્વર્ટર સપ્લાય કરવાનો ભરોસો આપી બોગસ ઇનવોઇઝ અને ઇ-વે બિલ બનાવી મોકલી આપ્યા હતા. આરોપીના વિશ્વાસમાં આવીને ફરિયાદી વેપારીએ બે અલગ-અલગ ટ્રાન્સફરમાં રૂ. ૫૬,૩૮,૯૫૭/- અને રૂ. ૯૦,૩૪,૯૫૬/- મળીને કુલ રૂ. ૧,૪૬,૭૩,૯૧૩/- આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા.
નાણાં મેળવી લીધા બાદ આરોપીએ સોલાર ઇન્વર્ટરનો માલ-સામાન મોકલ્યો ન હતો અને ઠગાઈ કરી હતી. આ અંગે ૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બાપુનગર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પોલીસે રાજકોટથી આરોપીને દબોચ્યો
ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને નાયબ પોલીસ કમિશનર (ઝોન-૫) ના સીધા સુપરવિઝન હેઠળ બાપુનગર પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે. ગઢવી તથા સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. એમ. બી. ચૌહાણની આગેવાનીમાં ખાસ ટીમ રચવામાં આવી હતી. બાપુનગર પોલીસની ટીમે તાત્કાલિક રાજકોટ ખાતે દરોડો પાડીને આરોપી હિતેશ રમેશભાઇ ભુવાને તેના નિવાસસ્થાનેથી (શિલ્પન પ્રાઇમ ફ્લેટ, પુનીતનગર, રાજકોટ) ઝડપી પાડ્યો હતો.
અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે ગુના
ઝડપાયેલ આરોપી હિતેશ ભુવા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે:
માલવીયા પોલીસ સ્ટેશન (રાજકોટ): વર્ષ ૨૦૧૫માં વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો (IPC ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૦૬, ૪૨૦) અંગેનો ગુનો.
સરથાણા પોલીસ સ્ટેશન (સુરત): વર્ષ ૨૦૨૦માં વિશ્વાસઘાત અને છેતરપિંડી (IPC ૪૦૬, ૪૨૦, ૧૧૪) નો ગુનો.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન (રાજકોટ): વર્ષ ૨૦૨૬માં મોટર વ્હીકલ એક્ટ હેઠળ અકસ્માતનો ગુનો.
હાલમાં બાપુનગર પોલીસે આરોપી સામે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરુ કરી છે.