રામોલ ટોલટેક્ષ નજીક ખાનગી બસમાંથી ₹૨૫.૩૫ લાખનો મુદામાલ ઝબ્બે: મેફેડ્રોન ડ્રગ્સ સાથે ૧ આરોપી ઝડપાયો

ઈન્દોરથી અમદાવાદ લાવવામાં આવતો મેફેડ્રોનનો જથ્થો રામોલ પોલીસે ઝડપી પાડ્યો, NDPS હેઠળ ગુનો દાખલ

by Bansari Bhavsar

​અમદાવાદ:

શહેરના રામોલ પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ટોલટેક્ષ પાસે એક સફળ કામગીરી કરીને કરોડો રૂપિયાના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. વડોદરા તરફથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.

​ઘટનાની વિગતો

પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.મોરી અને એમ.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ રામોલ પોલીસની ટીમે રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે ટોલટેક્ષ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન વડોદરા તરફથી આવેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી શંકાસ્પદ જણાતા એક ઈસમની તલાશી લેતા તેની પાસેથી કમર્શિયલ જથ્થાનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.

​જપ્ત કરાયેલ મુદ્દામાલ

​મેફેડ્રોન ડ્રગ્સ: ૮૪૩ ગ્રામ ૬૧૦ મિલીગ્રામ (કિંમત ₹૨૫,૩૦,૮૩૦/-)

​મોબાઈલ ફોન (૦૧): કિંમત ₹૫,૦૦૦/-

​અન્ય સામગ્રી: પાવર બેંક, કપડાં તથા અન્ય વસ્તુઓ

​કુલ મુદ્દામાલ: ₹૨૫,૩૬,૪૩૦/-

​ઝડપાયેલ આરોપી અને મોડસ ઓપરેન્ડી

ઝડપાયેલા આરોપીની ઓળખ રીઝવાન ઉર્ફે રીજુ મોહમદ ફારૂક મંસુરી (ઉં.વ. ૨૪, રહે. ચંદનનગર, ઈન્દોર, મધ્યપ્રદેશ) તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ ઓનલાઈન ‘જંગી’ (Zangi) એપ્લિકેશન દ્વારા વોન્ટેડ આરોપી શાનુભાન (રહે. ઈન્દોર) નો સંપર્ક કર્યો હતો. ઈન્દોરથી લાવવામાં આવેલો આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ ખાતે રહેતા વોન્ટેડ આરોપી રિયાઝ અલીને આપવાનો હતો.

​પોલીસ કાર્યવાહી

રામોલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ ૮(સી), ૨૨(સી) અને ૨૯ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ નેટવર્કમાં જોડાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે.

Related Posts