અમદાવાદ: પોઝિશિંપિંગ અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટના નામે ₹૩ કરોડની ઠગાઈ, જામનગરના શખ્સ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ

by Bansari Bhavsar

અમદાવાદ શહેરમાં બિઝનેસમાં રોકાણ કરી ઊંચો નફો અપાવવાની લાલચ આપી રૂ. ૩ કરોડની છેતરપિંડી આચરવાનો કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. આ અંગે સાયન્સ સિટી રોડ સ્થિત ડ્રીમ રાઇઝ હેલ્થ પાર્ટી પ્લોટ બાજુમાં રહેતા અને ઉસ્માનપુરા સ્થિત સેન્ટ્રલ બિઝનેસ સ્પેસમાં ઓફિસ ધરાવતા રોહિતકુમાર પટેલ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે જામનગરના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

​વિશ્વાસ કેળવી કરોડો રૂપિયા મેળવી લીધા

​ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઓગસ્ટ-૨૦૨૫ થી તા. ૨૬/૧૦/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન જામનગરના ઓશવાલ કોલોની (સુમેર ક્લબ રોડ, ડીઆઈજી વિજય પ્લોટ) ખાતે રહેતા સમીર અમિત શાહ નામના શખ્સે ફરિયાદી રોહિતકુમારનો સંપર્ક કર્યો હતો. આરોપીએ પોતે પોઝિશિંપિંગ અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો મોટો ધંધો કરતો હોવાની ખોટી ઓળખ આપી હતી.

​શરૂઆતમાં આરોપીએ ધંધામાં મૂડી રોકાણ સામે સારા નફાની લાલચ આપી હતી. વિશ્વાસ સંપાદન કરવા માટે તેણે પ્રથમ વખત રોકાણ કરાવેલી રકમ નફા સાથે સમયસર પરત ચૂકવી આપી હતી, જેથી ફરિયાદીનો તેના પર દ્રઢ વિશ્વાસ બેસી ગયો હતો.

​બેંક ટ્રાન્સફરથી મેળવ્યા ૩ કરોડ

​ત્યારબાદ, પકવાન ચાર રસ્તા પાસેની એપોલો સીવીએચએમ હોસ્પિટલ, ઉસ્માનપુરા ખાતે આવેલી ઓફિસ અને સાયન્સ સિટી રોડ પર જુદા જુદા સમયે આરોપી સમીર શાહે ધંધામાં વધુ રોકાણ કરવાની વાતો કરી હતી. રોહિતકુમારે અલગ-અલગ તબક્કે બેંક ટ્રાન્સફર (RTGS/Bank Transfer) મારફતે કુલ રૂપિયા ૩,૦૦,૦૦,૦૦૦/- (ત્રણ કરોડ) આરોપીને આપ્યા હતા.

​પરત નાણાં ન આપતાં છેતરપિંડીની ફરિયાદ

​મૂડી અને વળતર પરત કરવાનો સમય થતાં ફરિયાદીએ નાણાંની માંગણી કરી હતી, પરંતુ આરોપી સમીર અમિત શાહે રકમ પરત ન કરી રોહિતકુમાર પટેલ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.

​આ બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઇપ્રોફાઇલ છેતરપિંડી કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે. કે. ડીંડોર ચલાવી રહ્યા છે.

Related Posts