અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ: નાગરિકો પાસેથી સૂચનો મંગાવાયા, અગાઉ 10% સૂચનોનો કરાયો હતો સમાવેશ

by Bansari Bhavsar

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેબ્રુઆરીમાં વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવે છે. આગામી વર્ષ ૨૦૨૭-૨૮ના વાર્ષિક બજેટ માટે અગાઉથી આયોજન કરવાના હેતુસર, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર મહિના અગાઉ જ નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે.

​નાગરિકો કયા વિષયો પર આપી શકશે સૂચનો?

​શહેરીજનો રોડ, ગટર, પાણી, લાઇટ, બાગ-બગીચા, સફાઈ અને વિકાસના કામો જેવી વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓ અંગે પોતાના સૂચનો આપી શકશે.

​ક્યાં અને કઈ તારીખ સુધી મોકલી શકાશે સૂચનો?

​નાગરિકો પોતાના નામ, મોબાઇલ નંબર અને ઈમેલ સાથે amcbudget2728@gmail.com ઈમેલ આઈડી પર ૩૦ ઓક્ટોબર સુધીમાં પોતાના સૂચનો મોકલી શકે છે.

​મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન

​મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાર્ષિક બજેટમાં નાગરિકોને તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓથી લઈને વિકાસના કામો માટે સૂચનો મંગાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ બજેટ માટે નાગરિકોના સૂચનો મંગાવવામાં આવ્યા છે અને શહેરીજનો દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાનમાં રાખી જે મુદ્દાઓ સમાવેશ કરવા લાયક હશે તેને આગામી બજેટમાં સ્થાન આપવામાં આવશે.

​గત વર્ષનો અનુભવ: ૧૦ ટકા સૂચનો માન્ય રખાયા હતા

​અગાઉના વર્ષની વાત કરીએ તો, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે બજેટ પહેલા નાગરિકો પાસેથી રોડ, રસ્તા અને નવી સુવિધાઓ અંગે સૂચનો મંગાવવામાં આવે છે. પ્રાપ્ત થયેલા સૂચનોમાંથી આશરે ૧૦ ટકા જેટલા સૂચનોને માન્ય રાખી બજેટમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના સૂચનોનો ફરિયાદ મુજબ નિકાલ કરવામાં આવ્યો હતો.

​గત વર્ષે પ્રાથમિક સુવિધાઓ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં પાણી, ડ્રેનેજ તથા રસ્તાની સુવિધા મેળવવા અને સુધારવા માટેના સૂચનો વિશેષ રહ્યા હતા. આ ઉપરાંત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, લાઈબ્રેરી, રીડિંગ રૂમ, ગાર્ડન, સ્વિમિંગપુલ અને સિનિયર સિટીઝન પાર્ક જેવી વિવિધ સુવિધાઓ અંગેના સૂચનોનો પણ બજેટમાં સમાવેશ કરી લેવામાં આવ્યો હતો.

Related Posts