જૂનાગઢ જિલ્લાના માણાવદર વિસ્તારમાંથી એક સાથે મોટી સંખ્યામાં કાચબાઓ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તુરંત જ હરકતમાં આવી ગઈ હતી. ઘટનાસ્થળેથી કુલ ૫૪ જેટલા કાચબાઓ મળી આવ્યા હતા, જેમાંથી ૫૧ કાચબા મૃત હાલતમાં મળી આવ્યા છે, જ્યારે ૩ કાચબા જીવિત મળી આવ્યા છે.
વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
ઘટના અંગેની જાણ થતાં જ જૂનાગઢ સામાજિક વનીકરણ વિભાગના એ.સી.એફ. (ACF) શાહિદ મકરાણી સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને તમામ કાચબાને કબજે લીધા હતા.
અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયા
વન વિભાગ દ્વારા મૃત અને જીવિત તમામ કાચબાને તાત્કાલિક અસરથી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. જીવિત મળેલા ૩ કાચબાને સારવાર આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યારે મૃત મળી આવેલા ૫૧ કાચબાના મૃતદેહોનું પીએમ (પોસ્ટમોર્ટમ) કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
મૃત્યુનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે
એક સાથે આટલી મોટી સંખ્યામાં કાચબાઓના મોત થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં પાણીમાં ઝેરી પદાર્થ ભળ્યો હોવાથી કે અન્ય કોઈ કારણસર આ ઘટના બની છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ કાચબાઓના મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.
અધિકારીનું નિવેદન (બાઈટ):
“અમને માણાવદર વિસ્તારમાંથી કાચબા મળી આવ્યા હોવાની માહિતી મળતા જ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કુલ ૫૪ કાચબામાંથી ૫૧ મૃત અને ૩ જીવિત મળી આવ્યા છે. તમામ કાચબાઓને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે પી.એમ. અને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તપાસ બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”
— શાહિદ મકરાણી (એ.સી.એફ., વન વિભાગ, સામાજિક વનીકરણ, જૂનાગઢ)
હાલ તો વન વિભાગે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.