બોટાદ: ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનું કાવતરું રચનાર બે આરોપીઓને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

by Bansari Bhavsar

બોટાદ જિલ્લામાં ટ્રેનને નુકસાન પહોંચાડી ગંભીર અકસ્માત સર્જવાના ઈરાદે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકવાના પ્રકરણમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે મોટો અને કડક ચૂકાદો આપ્યો છે. કોર્ટે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવીને આજીવન સખત કેદની સજાનો હુકમ ફટકાર્યો છે.

​બનાવની વિગત:

​ભાવનગર ડિવીઝનની ઓખા-ભાવનગર ટ્રેન નં. ૧૯૨૧૦ ગત તા. ૨૫/૦૯/૨૦૨૪ ના રોજ ઓખાથી નીકળી સુરેન્દ્રનગર-લીંબડી-રાણપુર થઈ કુંડલીથી બોટાદ તરફ જઈ રહી હતી. બપોરના ૧૪:૩૦ કલાકે જ્યારે આ પેસેન્જર ટ્રેન કુંડલી અને બોટાદ વચ્ચે પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રેન સાથે કોઈ ભારે ચીજવસ્તુ અથડાઈ હતી. જેને કારણે ટ્રેન એકદમ ઊભી રહી ગઈ હતી. ડ્રાઈવર અને ગાર્ડે નીચે ઉતરીને તપાસ કરતા ખબર પડી કે ટ્રેનને હાનિ પહોંચાડવાના ઈરાદે મીટર ગેજનો પાટાનો ટુકડો ટ્રેન સાથે અથડાવવા માટે મૂકવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ અને રેલવેના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.

​પોલીસ તપાસ અને ધરપકડ:

​આ બનાવ અંગે ભાવનગર ડિવીઝનમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હરકેશ મથુરલાલ મીણા દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમો તેમજ રેલવે અધિનિયમ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

​આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજા (PI Mayur Jadeja) અને તેમની ટીમે સઘન તપાસ હાથ ધરી અળવ ગામના બે આરોપીઓની ધરપકડ કરી હતી:

૧. રમેશભાઈ ઉર્ફે રમુડિયો કાનજીભાઈ સલીયા

૨. જયેશભાઈ ઉર્ફે જયલો નાગરભાઈ બાવળીયા

​કોર્ટનો ચૂકાદો:

​પોલીસે પૂરતા પુરાવા એકત્ર કરી બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં સરકાર પક્ષ તરફથી કુલ ૫૫ દસ્તાવેજી પુરાવા અને ૧૫ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.

​કોર્ટમાં ચાલેલા કેસ દરમિયાન જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની દલીલો અને પુરાવ્યો ધ્યાને રાખીને, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ શ્રી મનીષસહાય. જે. પરાશરે રેલવે અધિનિયમની કલમો હેઠળ બંને આરોપીઓને આજીવન સખત કેદની સજા ફટકારી છે.

​પોલીસની સરાહનીય તપાસ અને ઉત્કૃષ્ટ ટીમવર્ક (#TeamWork) તથા વકીલશ્રીની દલીલોના પરિણામે ગુનેગારોને કડક સજા મળતા ન્યાય તંત્રમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

Related Posts