સિસ્ટમની તિરાડોમાંથી ‘બ્લેક ગોલ્ડ’ની લૂંટ: ONGCનું ક્રૂડ ઓઇલ ચોરતી ગેંગને ગુજરાત ATSએ દબોચી

by Bansari Bhavsar

​અમદાવાદ | ૧૯ નવેમ્બર, ૨૦૨૬

​બહાર દુશ્મનોની જરૂર નથી, અંદરના જ ગદ્દાર પૂરતા છે. વૈશ્વિક સ્તરે જ્યારે ભારત એનર્જી ઇન્ડિપેન્ડન્સ અને આર્થિક આત્મનિર્ભરતા માટે મથી રહ્યું છે, ત્યારે સિસ્ટમની અંદર બેઠેલા કેટલાક તત્વો ટૂંકા ગાળાના આર્થિક લાભ માટે રાષ્ટ્રની કરોડરજ્જુ સમાન ઊર્જા સંસાધનોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ અમદાવાદના વટવા-વિંઝોલ રિંગ રોડ વિસ્તારમાં કાર્યવાહી કરીને ONGCના ઓઇલ કૂવામાંથી ક્રૂડ ઓઇલ ચોરતી સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે.

​કેવી રીતે ચાલતી હતી ‘બ્લેક ગોલ્ડ’ની ચોરી?

​પ્રાપ્ત માહિતી મુજબ, આ સમગ્ર કૌભાંડમાં ONGCમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા નસીરૂદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક (રહે. અલ-ફારૂક સોસાયટી, સરખેજ)ની સંડોવણી સામે આવી છે. તેણે અમદાવાદના દાણીલીમડા વિસ્તારના સાગરિતો સાથે મળીને ખેડા જિલ્લાના સારસા ખાતે આવેલા ONGCના ઓઇલ કૂવા નં. ૨૬ પર કેશિંગ વાલ્વ અને ફાઇટર પંપ ગોઠવીને અંદાજે ૮,૦૦૦ લીટર ક્રૂડ ઓઇલ ગેરકાયદેસર રીતે ખેંચી લીધું હતું.

​રસ્તામાં કોઈને શંકા ન જાય તે માટે ચોરાયેલું ક્રૂડ ઓઇલ ‘ON DUTY O.N.G.C’ લખેલા ટેન્કરમાં ભરીને અમદાવાદ લાવવામાં આવતું હતું. વટવા GIDC નજીક વિંઝોલ રિંગ રોડ પર આવેલા હેપ્પીભાઈ ભરવાડના પાર્કિંગ પ્લોટમાં આ ટેન્કરમાંથી અન્ય વાહન (આઈસર ટ્રકના ટાંકા)માં ઓઇલ ટ્રાન્સફર કરીને બ્લેક માર્કેટમાં વેચવાની તૈયારી ચાલી રહી હતી.

​ATSની ટ્રેપ અને મુદ્દામાલ જપ્તી

​ચોક્કસ બાતમીના આધારે DySP એસ.એલ. ચૌધરીની આગેવાની હેઠળ ATSની ટીમે દરોડો પાડીને સ્થળ પરથી ૬ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે ઉસ્માન ઉર્ફે ટિકડી સહિતના ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે:

​નસીરૂદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક (ઉં.વ. ૪૨) – સરખેજ, અમદાવાદ

​ગફાર અબ્દુલભાઈ રંગરેજ (ઉં.વ. ૬૧) – દાણીલીમડા, અમદાવાદ

​મોહસીન રફીકભાઈ રંગરેજ (ઉં.વ. ૩૫) – દાણીલીમડા, અમદાવાદ

​મોહમદ જાવેદ રંગરેજ (ઉં.વ. ૪૪)

​ભીખાભાઈ કાળાભાઈ ચૌહાણ (ઉં.વ. ૪૬) – માહીજ ગામ, જિ. ખેડા

​રાયસંગભાઈ બચુભાઈ ઠાકોર (ઉં.વ. ૪૦) – માહીજ ગામ, જિ. ખેડા

Related Posts