અમદાવાદ: સોલા હાઇકોર્ટ પોલીસે ભાડજની રેસ્ટોરેન્ટમાં ઘરફોડ ચોરી કરનાર ૩ આરોપીઓને ઝડપી પાડ્યા, ૧.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદ શહેરમાં ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં, સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે બાતમીના આધારે ભાડજ સ્થિત ‘ધ સેવન વેવ્સ’ રેસ્ટોરેન્ટમાં ઘરફોડ ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડી એક મહત્વપૂર્ણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

​બાતમીના આધારે સફળ દરોડો

​સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.ભુકણની રાહબરી હેઠળ, સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ એસ.જે. દેસાઈ તથા સ્ટાફના કર્મચારીઓને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે સાગર સંગીત હાઈટ્સ પાસેના ચાર રસ્તા પાસેથી જાહેર રોડ પરથી ત્રણ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા.

​પકડાયેલા આરોપીઓની વિગતો

​૧. નવઘણભાઇ ઉર્ફે બોડો ગોવિંદભાઇ દેવીપુજક (ઉ.વ. ૨૨, ધંધો: રીક્ષા ડ્રાઇવિંગ, રહે. નારોલ, અમદાવાદ; મૂળ વતન: ઓગાણ, તા. વિરમગામ)

૨. કીરણ મફાભાઇ દેવીપુજક (ઉ.વ. ૨૫, ધંધો: મજૂરી, રહે. પેલેડિયમ મોલ પાસે, અમદાવાદ; મૂળ વતન: ભડીયાદ, તા. ધંધુકા) – આ આરોપી વિરુદ્ધ અગાઉ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.

૩. અજયભાઇ રમણભાઇ દેવીપુજક (ઉ.વ. ૨૮, ધંધો: નોકરી, રહે. મલાવ તળાવ, ધોળકા; મૂળ વતન: ચણાસ્મા, પાટણ) – આ આરોપી વિરુદ્ધ અગાઉ બાવળા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયેલ છે.

​કબજે કરાયેલ મુદ્દામાલ (કુલ કિંમત રૂ. ૧,૧૪,૦૦૦)

​પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો સામાન અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ ૧,૧૪,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

​સ્ટીલના તપેલા (નંગ-૦૨): રૂ. ૧૦,૦૦૦/-

​એલ.ઈ.ડી. હેલોજન લાઈટ (નંગ-૧૦): રૂ. ૩,૦૦૦/-

​લાઈટનો કેબલ: રૂ. ૧,૦૦૦/-

​ઓટો રીક્ષા: રૂ. ૧,૦૦,૦૦૦/-

​સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આ અંગે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૪), ૫૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ ટીમમાં પીએસઆઈ એસ.જે. દેસાઈ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલો જોડાયેલા હતા.

Related Posts