અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક પેઢી સાથે કોટન ટ્રેડિંગના વ્યવહારમાં વિશ્વાસ કેળવીને કુલ ₹૧.૨૬ કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ભોગ બનનાર વેપારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
બોપલ-આંબલી સ્થિત સેંટોસા પાર્ક પાસે ક્રિષ્ણા કોર્ટયાર્ડમાં રહેતા ૫૭ વર્ષીય પ્રમોદભાઈ હનુમાનપ્રસાદ ગુપ્તા નવરંગપુરામાં આશ્રમ રોડ પર સીટી ગોલ્ડ સિનેમા પાસે આવેલા ‘સાકાર-૯’ ના નવમા માળે “વિનય કોર્પોરેશન” નામે કોટનનો વ્યવસાય કરે છે. તેમણે તા. ૧૨ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, બોપલ-આંબલી રોડ પર ઈસ્કોન મંદિર પાછળ ‘પારિજાત એક્લેટ’માં રહેતા ક્રિષ્ણાકુમાર પરમેશ્વરપ્રસાદ અજીતસરીયાએ પ્રમોદભાઈની કંપનીમાં એજન્ટ તરીકે કોટનનું ટ્રેડિંગ કરવાની વાત કરી હતી. આરોપીએ પોતાના ઓળખીતાઓની “વરીદી કોટસ્પીન પ્રા.લિ.” નામની કંપનીના ડાયરેક્ટરો — (૧) અંકિત અજીતસરીયા, (૨) નિતુ અજીતસરીયા અને (૩) શકુંતલાદેવી અજીતસરીયાની મદદગારીથી આ કૌભાંડ આચર્યું હતું.
વિશ્વાસ કેળવી લાખોનું ફુલેકું ફેરવ્યું
જાન્યુઆરી ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૪ ના સમયગાળા દરમિયાન આરોપીઓએ પ્રમોદભાઈની ‘વિનય કોર્પોરેશન’ પાસેથી અલગ-અલગ સમયે કોટનના માલની ડિલિવરી મેળવી હતી. શરૂઆતમાં સમયસર નાણાંની ચુકવણી કરીને આરોપીઓએ વેપારીનો વિશ્વાસ જીતી લીધો હતો. પરંતુ ત્યારબાદ માલના બાકી નીકળતા નાણાં ચૂકવવામાં ગલ્લાતલ્લા શરૂ કર્યા હતા.
₹૧.૨૬ કરોડની બાકી રકમ ન ચૂકવી
આજદિન સુધી આરોપીઓએ ખરીદેલા કોટનના માલની મૂળ રકમ ₹૯૫,૨૪,૩૩૮/- તેમજ તેના પરનું વ્યાજ ₹૩૧,૫૪,૦૨૩/- મળીને કુલ ₹૧,૨૬,૭૮,૩૬૧/- ની ચુકવણી ન કરી પ્રમોદભાઈ ગુપ્તા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી છે.
હાલ નવરંગપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે અને આ સમગ્ર પ્રકરણની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પી.એસ. મીયાત્રા ચલાવી રહ્યા છે.