- ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ; લીમખેડાના દુધિયા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ
- કોંગ્રેસે છ દાયકા સુધી જનજાતીય સમાજનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો: શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
દાહોદ, તા. ૧૫ નવેમ્બર ૨૦૨૬:
આજ રોજ ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ વિશાળ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનજાતીય સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા અને ભવ્ય શોભાયાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ ઉપરાંત, લીમખેડા તાલુકાના દુધિયા ખાતે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે ભગવાન બિરસા મુંડાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
યુગો સુધી પ્રેરણા આપતું ભગવાન બિરસા મુંડાનું જીવન
લીમખેડા અને દેવગઢ બારીયા વિધાનસભાના આ સંયુક્ત કાર્યક્રમમાં ‘જય જોહાર’ના નાદ સાથે પોતાના સંબોધનની શરૂઆત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ૧૫ નવેમ્બર ૧૮૭૫ના રોજ ઝારખંડમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાનું જીવન ભલે માત્ર ૨૫ વર્ષનું રહ્યું, પરંતુ તેમના સામાજિક જાગૃતિના કાર્યો, સર્વ ધર્મ નિષ્ઠા, નૈતિક મૂલ્યો અને સાંસ્કૃતિક એકતાના વિચારો યુગો સુધી દેશની જનતાને પ્રેરણા આપતા રહેશે. તેમણે માત્ર ૧૬ વર્ષની વયથી ગામેગામ ફરીને સમાજ સુધારણાનું મહાન કાર્ય કર્યું હતું.
પ્રધાનમંત્રીશ્રી મોદીએ જનજાતીય સમાજને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું
કેન્દ્ર સરકારના વખાણ કરતા શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની શરૂઆત કરાવીને સમગ્ર જનજાતીય સમાજના ગૌરવ, અસ્મિતા અને યોગદાનને રાષ્ટ્રીય સ્તરે ઐતિહાસિક સન્માન આપ્યું છે.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે કેન્દ્રમાં છ દાયકા સુધી સત્તામાં રહીને જનજાતીય સમાજનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપા સરકારે આ સમાજની ઓળખ અને અધિકારોને નવી બુલંદી આપી છે.
ગુજરાતમાં જનજાતીય સમાજનો સર્વાંગી વિકાસ
ગુજરાત સરકારની ઉપલબ્ધિઓ વર્ણવતા પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર જનજાતીય સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. અંબાજીથી ઉમરગામ સુધીના ૧૪ જનજાતીય જિલ્લાઓમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓનો કાયાપલટ થયો છે. એક સમય હતો જ્યારે જનજાતીય વિસ્તારોમાં ઉચ્ચ આરોગ્ય સુવિધાઓ અને મેડિકલ કોલેજોની અછત હતી, પરંતુ આજે ૧૪ પૈકી ૧૨ જનજાતીય જિલ્લાઓમાં મેડિકલ કોલેજની સુવિધા ઉપલબ્ધ છે, જે ભાજપા સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કાર્યક્રમના અંતે તેમણે જનજાતીય સમાજને પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને વારસાનું ગૌરવ જાળવી રાખીને એકતા, સંગઠન અને વિકાસના માર્ગે ઉત્તરોત્તર આગળ વધવા વિશેષ આહ્વાન કર્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સ્નેહલભાઈ ધરિયા, પ્રભારીશ્રી શશિકાંત પંડ્યા, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, લીમખેડાના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોર, દેવગઢ બારિયાના ધારાસભ્યશ્રી બચુભાઈ ખાબડ સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.