નારોલના યુવકને રૂ. ૨ લાખની પર્સનલ લોન અપાવવાની લાલચ આપી રૂ. ૫૭,૦૦૦ ની ઓનલાઈન છેતરપિંડી

by Bansari Bhavsar

​અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે ફાયનાન્સ કંપનીના કર્મચારીની ખોટી ઓળખ આપી ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

​પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નારોલ-અસલાલી હાઈવે પર સત્વ-૨ સામે આવેલા શ્રીનાથ રેસીડેન્સીની બાજુમાં સાંઘાણી પ્લેટીનમ ખાતે રહેતા ૩૩ વર્ષીય ગૌરવભાઈ રાજકુમાર ધનકે ગત તા. ૧૪/૧૧/૨૦૨૬ ના રોજ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

​ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા. ૦૬/૧૧/૨૦૨૬ ના રોજ ગૌરવભાઈના મોબાઈલ પર બે અલગ-અલગ અજાણ્યા નંબરો (૮૨૪૦૪૩૩૧૩૪ અને ૯૨૯૬૦૫૧૯૭૧) પરથી ફોન આવ્યા હતા. ફોન કરનારા શખ્સોએ પોતાની ઓળખ બજાજ ફાયનાન્સના પ્રતિનિધિ તરીકે આપી હતી અને ગૌરવભાઈને રૂ. ૨ લાખની પર્સનલ લોન મંજૂર કરી આપવાની વાત કરી વિશ્વાસમાં લીધા હતા.

​ત્યારબાદ આરોપીઓએ લોન મંજૂર કરવાની પ્રોસેસના બહાને અલગ-અલગ ફી ભરવાનું કહી ગૌરવભાઈ પાસેથી ઓનલાઈન પેમેન્ટ કરાવ્યું હતું. જેમાં ગૌરવભાઈના કેનેરા બેંક (નારોલ શાખા) ના ખાતામાંથી રૂ. ૬,૮૦૦/- અને બેંક ઓફ બરોડા (નારોલ શાખા) ના ખાતામાંથી રૂ. ૫૦,૨૦૦/- મળી કુલ રૂ. ૫૭,૦૦૦/- ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા.

​નાણાં ટ્રાન્સફર થયા બાદ લોન ન મળતા પોતે છેતરાયા હોવાનું જણાતા ગૌરવભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો. નારોલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જે.બી. અગ્રાવત ચલાવી રહ્યા છે.

Related Posts