દિલજીત દોસાંઝના કોન્સર્ટને પગલે અમદાવાદમાં મેટ્રોનો સમય રાત્રે ૧૧:૩૦ સુધી લંબાવાયો, મોટેરા સ્ટેડિયમ આસપાસ ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

by Bansari Bhavsar

​અમદાવાદ, ૨૧ નવેમ્બર ૨૦૨૬:

શહેરના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે સાંજે પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંઝનો (‘Diljit Dosanjh – RuPay Aura India Tour 2026’) ભવ્ય લાઈવ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ૭૦,૦૦૦થી વધુ સંગીતપ્રેમીઓ અને સેલિબ્રિટીઓ ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

​મેટ્રો ટ્રેનના સમયમાં વધારો અને ₹૫૦ની ખાસ પેપર ટિકિટ

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા કોન્સર્ટમાં જનારા મુસાફરો સરળતાથી પરત ફરી શકે તે માટે આજે રાત્રે ૧૧:૩૦ વાગ્યા સુધી અમદાવાદ અને ગાંધીનગર બંને કોરિડોર પર મેટ્રો સેવા લંબાવવાનો નિર્ણય લેવાયો છે.

​છેલ્લી ટ્રેન અને વધારાની ટ્રીપ: અમદાવાદ કોરિડોર પર મોટેરા સ્ટેડિયમથી છેલ્લી ટ્રેન રાત્રે ૧૧:૩૦ વાગ્યે ઉપડશે. આ ઉપરાંત, ગાંધીનગર કોરિડોર (મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર) પર રાત્રે ૧૦:૩૦, ૧૧:૦૦ અને ૧૧:૩૦ વાગ્યે ત્રણ વધારાની ટ્રીપ દોડાવવામાં આવશે.

​ટિકિટ અને પ્રવેશના નિયમો: રાત્રે ૧૧:૦૦ વાગ્યા પછી મુસાફરોને માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ પ્રવેશ આપવામાં આવશે. રાત્રે ૧૧:૦૦ વાગ્યા બાદ સ્માર્ટ કાર્ડ, NCMC કાર્ડ કે QR ટિકિટ માન્ય રહેશે નહીં; મુસાફરોએ કોઈપણ સ્ટેશન સુધી જવા માટે ₹૫૦ની ખાસ ફ્લેટ-રેટ પેપર ટિકિટ લેવી ફરજિયાત રહેશે.

​બપોરે ૩ વાગ્યાથી મુખ્ય માર્ગ બંધ, વૈકલ્પિક રૂટ જાહેર

અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ, આજે બપોરે ૩:૦૦ વાગ્યાથી કોન્સર્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્ટેડિયમ આસપાસના માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

​બંધ રહેનાર માર્ગ: જનપથ ટી-જંકશનથી સ્ટેડિયમ મુખ્ય ગેટ, કૃપા રેસીડેન્સી ટી-જંકશન થઈ મોટેરા ગામ ટી-જંકશન સુધીનો મુખ્ય માર્ગ બંને તરફથી તમામ વાહનો માટે બંધ રહેશે. (આ પ્રતિબંધ ઈમરજન્સી સેવાઓ, ફરજ પરના સરકારી વાહનો અને સ્થાનિક રહીશોને લાગુ પડશે નહીં).

​વૈકલ્પિક માર્ગો:

​તપોવન સર્કલથી પ્રબોધ રાવળ સર્કલ તરફ જવા માટે વાહનચાલકો ઓએનજીસી (ONGC) ચાર રસ્તા, વિસત ટી-જંકશન, જનપથ ટી-જંકશન અને પાવર હાઉસ ચાર રસ્તા થઈ અવરજવર કરી શકશે.

​એપોલો સર્કલ તરફ જવા માંગતા વાહનચાલકો કૃપા રેસીડેન્સી ટી-જંકશન, શરણ સ્ટેટસ ચાર રસ્તા અને ભાટ-કોટેશ્વર રોડનો ઉપયોગ કરી શકશે.

​મલ્ટી-લેયર પોલીસ બંદોબસ્ત

સુરક્ષાના ભાગરૂપે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસના સમગ્ર વિસ્તારમાં મલ્ટી-લેયર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટ્રાફિક નિયમન, પાર્કિંગ વ્યવસ્થા અને ભીડને નિયંત્રિત કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

Related Posts