- રજા મુકીને આવેલા નોકરિયાતો સહિતના અરજદારો હેરાન
- 10 મિનિટના કામ માટે અરજદારો કલાકો સુધી નિરર્થક બેઠા રહ્યા
- લોકોને આરટીઓના ધક્કા ખાવા પડે છે
અમદાવાદ : શહેરમાં સતત બીજા દિવસે પણ આરટીઓમાં સર્વર ખોટકાવાની સમસ્યા યથાવત રહી હતી. જેના લીધે લાઇસન્સના કામ માટે આવેલા અરજદારોને દસ મિનિટના કામ માટે પણ કલાકો બેસી રહેવું પડયું હતું.
આરટીઓમાં કામગીરી શરૂ થતાં સર્વર ચાલુ નહતું.
બપોરના 12 વાગ્યા સુધી સર્વર ચાલુ થવાની રાહ જોવાઇ રહી હતી. આ પછી પણ ખોટકાતું રહ્યું હતું. જેના લીધે પાકા લાઇસન્સના રિન્યુ, ડુપ્લીકેટ, એન્ડોર્સમેન્ટ, એડ્રેસ ચેન્જ સહિતના કામ માટે આવેલા હજારો અરજદારોને દસ મિનિટના કામ માટે પણ એકથી ત્રણ કલાક સુધી બેસી રહેવું પડયું હતું. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવેલા કેટલાક લોકો તો પરત ચાલ્યા ગયા હતા. જ્યારે કેટલાકે અડધી રજા મૂકીને ગમે તેમ પોતાનો ડ્રાઇવિંગ ટેસ્ટ પૂરો કર્યો હતો. સર્વરની સમસ્યાનો કોઇ ઉકેલ નહીં આવતા પરેશાન અરજદારોએ રોષ કાઢયો હતો કે, વાહનવ્યવહાર વિભાગ દ્વારા ઓનલાઇન સેવામાં વારંવાર મુશ્કેલીઓ સર્જાય છે. લોકોને આરટીઓના ધક્કા ખાવા પડે છે. અધિકારીઓ કોઇનું સાંભળતા નથી. જેનું નિરાકરણ આવતું નથી.