રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે. પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર-ઠર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આજે 2 એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ-અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા. સૂત્રોચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. કલેક્ટર કચેરીની બહાર 200થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી કાઢવામાં આવી છે. બત્રીસી ભવનથી કલેક્ટર કચેરી સુધી ક્ષત્રિય સમાજની રેલી યોજાઇ હતી. આ રેલીમાં 1 હજારથી વધુ ક્ષત્રિયો જોડાયા હતા. રેલીમાં રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા હતા. કલેક્ટર કચેરીમાં મહિલાઓને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી લોકસભા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અગાઉ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી છે.