સુરત: શહેર પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને વધુ એક સફળતા અપાવતા ઓરિસ્સાના બે યુવકોને ૧.૮૧ લાખ રૂપિયાની કિંમતના ૧૮ કિલોથી વધુ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની સૂચના અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસે આ કાર્યવાહી કરી હતી.
પોલીસને મળેલી બાતમી મુજબ, બબર્ાસ પરીડા (ઉં.વ. ૨૧) અને ચંદ્રમણી પ્રધાન (ઉં.વ. ૨૪) નામના બે યુવકો મણાયાની પ્લાસ્ટિકની થેલીઓમાં ગાંજાનો જથ્થો ભરીને વડોદરા ચોકડીથી મનિયાર ચેકપોસ્ટ તરફ આવી રહ્યા હતા. બાતમીમાં આરોપીઓના પહેરવેશની પણ માહિતી આપવામાં આવી હતી.
સારોલી પોલીસે મનિયાર ચેકપોસ્ટ પહેલાં સાબરગામ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. બાતમીમાં જણાવેલા વર્ણન મુજબના યુવકો આવતા પોલીસે તેમને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી ૧૮.૧૭૭ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ૧,૮૧,૭૭૦ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી ૨૩,૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.
પોલીસે આ કેસમાં ગાંજો સપ્લાય કરનાર ભુ આપાંડી અને કાના પરીડા નામના બે ઓરિસ્સાના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના વતની છે અને હાલમાં સુરતમાં અભ્યાસ અને ખેતીકામ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
સારોલી પોલીસે આ અંગે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કાર્યવાહીથી સુરત પોલીસના ડ્રગ્સ મુક્ત શહેરના અભિયાનને વધુ બળ મળ્યું છે.