ગાંધીનગર: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો બનાવીને હથિયારો મેળવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૪૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ૨૯ હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
એટીએસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર નજર રાખવાની સૂચના આપવામાં આવી હતી, જેના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એટીએસના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીને બાતમી મળી હતી કે વિશાલ પંડ્યા, ધ્વનિત મહેતા, અર્જુન અલગોતર, ધૈર્ય ઝરીવાલા, શેલાભાઈ ભરવાડ અને મુકેશ બાંભ જેવા લોકોએ હરિયાણાના નુહમાં બંદૂકની દુકાન ધરાવતા સૌકતઅલી, ફારુકઅલી, સોહીમઅલી અને આસિફ સાથે મળીને મણિપુર અને નાગાલેન્ડ રાજ્યોના બોગસ હથિયાર લાયસન્સ મેળવ્યા હતા. આ લાયસન્સનો ઉપયોગ કરીને તેઓએ હથિયારો ખરીદ્યા હતા અને અન્ય લોકોને પણ અપાવ્યા હતા.
આ માહિતીના આધારે, એટીએસ પોલીસ સ્ટેશનમાં ૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સેલાભાઈ વેલાભાઈ બોળીયા, વિશાલ મુકેશભાઈ પંડ્યા, અર્જુન લાખુભાઈ અલગોતર, ધૈર્ય હેમંતભાઈ ઝરીવાલા, સદ્દામ હુસૈન, બ્રિજેશ ઉર્ફે બિટ્ટુ મહેતા અને મુકેશ રણછોડભાઈ બાંભની ધરપકડ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન, આ કૌભાંડમાં કુલ ૪૯ લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી ૧૬ની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર, હરિયાણાના નુહમાં આર્મ્સની દુકાન ચલાવતો સોકતઅલી છોટુખાન પણ એટીએસના હાથે ઝડપાઈ ગયો છે.
એટીએસ દ્વારા ૧૧ એપ્રિલના રોજ વધુ ૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ગોપાલ હિરાભાઈ જોગરાણા, વરજાંગ હનુભાઈ મીર, દિગેશ કરશનભાઈ સભાડ, હરિ રણુભાઈ જોગરાણા, રમેશ કુંવરાભાઈ વરૂ, મયુર લક્ષ્મણભાઈ સોંડલા, અશોક રમેશભાઈ કલોત્રા, ભરત રમેશભાઈ અલગોતર, નથુ કાળાભાઈ બાંમ્ભવા, ઉમેશ @ બાબુભાઈ ડાહ્યાભાઈ આલ, રાહુલ જાગાભાઈ અલગોતર અને રૂપા ખોડાભાઈ જોગરાણાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, જયેશ @ નાનુ દેવાભાઈ સરૈયા, કનુ વનાભાઈ ગમારા, પીયૂષ @ બલ્લુ હિરાભાઈ દેસાઈ અને સતીશ મોહન ગમારાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી ૪ રિવોલ્વર, ૧૪૧ રાઉન્ડ, ૪ ૧૨ બોરની બંદૂકો અને ૧૭૦ રાઉન્ડ મળીને કુલ ૮ હથિયારો અને ૩૧૧ રાઉન્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. બાકીના ૧૨ લોકોના હથિયારો સુરેન્દ્રનગર એસઓજી કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે.
એટીએસ દ્વારા આ તમામ આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટીએસના જણાવ્યા અનુસાર, આ કેસમાં હજુ વધુ લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે અને તપાસ ચાલુ છે.
મુખ્ય આરોપીઓ અને જપ્ત રકમની વિગતો:
* નથુ કાળાભાઈ બાંમ્હવા: રૂ. ૮,૫૦,૦૦૦/-
* સૌકતઅલી સૈયદ છોટુખાન સૈયદ
* પીયૂષ હિરા દેસાઈ: રૂ. ૧૩,૦૦,૦૦૦/-
* રાહુલ જાગા અલગોતર: રૂ. ૨,૩૦,૦૦૦/-
* રમેશ કુંવરાભાઈ વરૂ: રૂ. ૧૭,૮૦,૦૦૦/-
* હરિ રણુભાઈ જોગરાણા: રૂ. ૧૫,૦૦,૦૦૦/-
* કનુ વનાભાઈ ગમારા: રૂ. ૧૩,૦૦,૦૦૦/-
* જયેશ દેવાભાઈ સરૈયા: રૂ. ૧૩,૦૦,૦૦૦/-
* મયુર લક્ષ્મણ સોંડલા: રૂ. ૧૦,૦૦,૦૦૦/-
* અશોક રમેશભાઈ કલોત્રા: રૂ. ૧૯,૨૦,૦૦૦/-
* ભરત અલગોતર: રૂ. ૧૫,૧૩,૦૦૦/-
* દિગેશ કરશન સભાડ: રૂ. ૧,૫૦,૦૦૦/-
* ગોપાલ હિરા જોગરાણા: રૂ. ૮,૦૦,૦૦૦/-
* રૂપા ખોડાભાઈ જોગરાણા: રૂ. ૮,૨૦,૦૦૦/-
* સતીશ મોહન ગમારા: રૂ. ૧૩,૦૦,૦૦૦/-
* ઉમેશ ડાહ્યાભાઈ આલ: રૂ. ૧૭,૦૦,૦૦૦/-
* વરજાંગ હનુભાઈ મીર: રૂ. ૫,૨૫,૦૦૦/-