અમદાવાદ:
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં મિત્રતા અને વિશ્વાસનો અનાદર કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેજલપુર વિસ્તારમાં રહેતી એક યુવતી પાસેથી ધંધાના કામ માટે ‘હાથ ઉછીના’ મેળવેલા રૂ. ૩૫,૦૦,૦૦૦/- ની રકમ પરત ન આપી, મકાન બંધ કરી વિદેશ ભાગી જનાર શખ્સ સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, વેજલપુર વિસ્તારમાં રહેતી યુવતીની ઓળખાણ સોલા ભાગવત પાસે આવેલા ‘સન ડિવાઇન-૪’ માં રહેતા હિતેન્દ્ર હમ્સા કાકુલપતિ નામના શખ્સ સાથે હતી. માહે ઓગસ્ટ-૨૦૨૩ દરમિયાન હિતેન્દ્ર કાકુલપતિએ પોતાના ધંધાકીય કામકાજ અર્થે નાણાંની જરૂર હોવાનું જણાવી થોડા સમયમાં રકમ પરત કરી દેવાની ખાતરી આપી હતી. યુવતીએ મિત્રતા અને વિશ્વાસના નાતે તેને રૂ. ૩૫ લાખની આર્થિક મદદ કરી હતી.
સમય વીત્યા બાદ યુવતીએ પોતાની આપેલી રકમની અવારનવાર માંગણી શરૂ કરી હતી. જોકે, હિતેન્દ્ર કાકુલપતિએ રૂપિયા પરત આપવાના બદલે યુવતી સાથેના તમામ સંપર્કો તોડી નાખ્યા હતા. ત્યાર બાદ યુવતીએ સોલા સ્થિત તેના નિવાસસ્થાને તપાસ કરતા મકાન બંધ મળ્યું હતું અને જાણવા મળ્યું હતું કે આરોપી પોતાના ઘરને તાળાં મારીને વિદેશ નાસી ગયો છે.
પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં યુવતીએ તા. ૧૮/૦૯/૨૦૨૬ ના રોજ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હિતેન્દ્ર હમ્સા કાકુલપતિ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઇપ્રોફાઇલ ગુનાની વધુ તપાસ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. શ્રી વાય.એસ. ચુડાસમા ચલાવી રહ્યા છે.